સૌરાષ્ટ્રમાં તહેવારોમાં અકસ્માતોની વણજાર : 13ના મોત, 92ને ઇજા

સૌરાષ્ટ્રમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે તહેવાર ટાણે સૌરાષ્ટ્રના રોડ-રસ્તાઓ પર…

સૌરાષ્ટ્રમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે તહેવાર ટાણે સૌરાષ્ટ્રના રોડ-રસ્તાઓ પર બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતોની વણજાર સર્જાઇ હતી. જેમાં માસુમ બાળકી સહિત 13 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બાળકો સહિત 92 લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતોની ઘટનાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ ખાતે દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે પીએમ રૂમ ખાતે મૃતકોના સ્વજનોના આક્રંદથી ગમગીની છવાઇ જવા પામી હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્રના રાજમાર્ગો તહેવાર ટાણે ગોજારા બન્યા હોય તેમ સૌરાષ્ટ્રમા જૂદા-જૂદા 95 સ્થળે અકસ્માત સર્જાયા હતા. જેમાં માસુમ બાળકી સહિત 13 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 92 જેટલા લોકોને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચોટીલાના ઢોકળવા ગામે રહેતા જીવરાજભાઇ અરજણભાઇ ચાવડા (ઉ.વ.70)નું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યુ હતું. મુળીના ફાલસા ગામે રહેતા રાજુ ગોવિંદભાઇ સારલા (ઉ.વ.30)પોતાનુ બાઇક લઇ થાન પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર ગાય ધસી આવતા બાઇક ગાય સાથે અથડાયુ હતું. જે અકસ્માતમાં ઘવાયેલા બાઇક ચાલક યુવાને સારવારમાં દમ તોડી દીધો હતો.

રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા આદીલ હબીબભાઇ મોગલ (ઉ.વ.33) પોતાનુ બાઇક લઇ મોબરી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ડ્રાઇવિંગનો પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું. જે અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. રાજકોટમાં આંબેડકરનગરમાં રહેતા મુળજીભાઇ પ્રેમભાઇ દાફડા (ઉ.વ.63) વહેલી સવારે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર જતા હતા ત્યારે અજાણયા કારના ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધનું મોત નીપજ્યુ હતું.

ગોંડલના કપુરીયા ચોક ખાતે પ્રમુખનગરમાં રહેતા મહિપાલભાઇ રણજીતભાઇ વાળા (ઉ.વ.25)એ બાઇક પરનો કાબુ ગુમાવતા અમદાવાદથી સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલો 15 વર્ષનો સગીર પાનપાલર પાસે ઠુંડુ-પીણુ લેવા ઉભો હતો. તેને અડફેટે લઇ બાઇક સ્ટ્રીટલાઇટના થાંભલા સાથે અથડાયુ હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મહીપાલભાઇ વાળાનું મોત નીપજ્યુ હતું. જ્યારે સગીરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુદા-જુદા 85 સ્થળે નાના મોટા અકસ્માત સર્જાયા હતા. જેમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પિતાના અવસાનના ભજનમાં જતી પુત્રીને રસ્તામાં કાળ ભેટ્યો
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા જમુબેન કાનજીભાઇ પરમાર નામની 40 વર્ષની પરિણીતા પિતાના અવસાનના ભજનમાં જવા માટે ભત્રીજા અજય ભરતભાઇ અધારીયા (ઉ.વ.20)ના બાઇક પાછળ બેસીને જઇ રહ્યા હતા ત્યારે ભાદરા ગામ પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જમુબેન પરમારનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. પરિણીતાના મોતથી ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

થાન પાસે બાઇક અકસ્માતમાં બે સગીર છાત્રના મૃત્યુ
થાનના મંડાસર ગામે રહેતા અને ધો.11માં અભ્યાસ કરતા દશરથ ઘનશ્યામભાઇ કટુડીયા (ઉ.વ.16) અને ધો.10માં અભ્યાસ કરતો કૌટુંબિકભાઇ રોહિત દેવભાઇ કટુડિયા (ઉ.વ.17) બાઇક લઇને સરા પાસે આવેલા વેલારા ગામે સુરાપુરા દાદાના દર્શન કરવા જતા હતા ત્યારે સરા નજીક વીરપર ચોકડી પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમા ગંભીર રીતે ઘવાયેલા રોહિત કટુડિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે દશરથ કટુડિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

દહિસરા માતાજીના દર્શને જતા આધેડનું બાઇક અકસ્માતમાં પુત્રની નજર સામે જ મોત
રાજકોટમાં મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા ભરતભાાઇ વશરામભાઇ ડાંગર (ઉ.વ.47) પોતાના પુત્ર જીત ડાંગર (ઉ.વ.20)ના બાઇક પાછળ બેસી દહિસરા ગામે માતાજીના દર્શન કરવા જતા હતા ત્યારે કાગદળી ગામ પાસે પહોંચતા જીત ડાંગરને ચક્કર આવતા ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ થયુ હતું. પિતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઇ ડાંગરે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા 5રિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ભોજપરા પાસે માતા સાથે રસ્તો ઓળંગતી ત્રણ વર્ષની બાળકીને થાર ચાલકે કચડી નાખી
ગોંડલમાં આવેલા યોગીનગર મેઈન રોડ પર રહેતા અને નાનીબજારમાં અતુલ નોવેલ્ટી નામે દુકાન ચલાવતાં જયભાઈ પ્રમોદભાઇ મકવાણા બેસતા વર્ષનાં દિવસે પરીવાર સાથે ભોજપરા નજીક નેશનલ હાઇવે પર આવેલા કષ્ટભંજન દેવના મંદિરે દર્શન કરવા ગયા હતાં. દર્શન કરીને મંદિરથી આશરે 200 મીટર દૂર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સામેથી મોત બનીને આવેલી જીજે-ડી 3 પીજે 0595 નંબરનાં થારનાં ચાલકે માતા-પુત્રીને અડફેટે લીધા હતા.થાર કારની સ્પીડ એટલી પ્રચંડ હતી કે ટક્કર વાગતાં જ 3 વર્ષની બાળકી ક્રિવા હવામાં ઉછળીને આશરે 30 ફૂટ દૂર રોડ પર પટકાઈ હતી, જેના કારણે તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જાતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકીને ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડી હતી. હોસ્પિટલના બિછાને સારવાર શરૂૂ થાય તે પહેલાં જ માસૂમ ક્રિવાએ અંતિમ શ્વાસ લીધા હતા. થાર કારના ચાલક ગોંડલ યોગીનગરમાં રહેતા કલ્પેશ હરીભાઇ પરમારની પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક બાળકી ક્રિવા તેના પરિવારની એકની એક લાડકવાયી દીકરી હતી. નવા વર્ષના પાવન દિવસે વહાલસોઈ દીકરીનું મોત નિપજતા માતા-પિતા અને પરિવારજનોમાં આક્રંદમાં છવાયો હતો.

બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પારૂલ યુનિવર્સિટીના પ્રોફેસર સહિત બેના મોત

મુળ જસદણના વતની અને વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અશોકભાઇ પ્રવિણભાઇ પંડયા (ઉ.વ.38) તહેવારની રજામાં અમરેલી રહેતા મિત્ર ચીરાગ સુતરીયાના ઘરે આંટો મારવા આવ્યા હતા. રાજકોટ રહેતા અશોકભાઇના કાકાને મળવા માટે અશોકભાઇ પંડયા, તેમના પત્ની ઉપાસનાબેન પંડયા (ઉ.વ.36), પુત્ર આતશુ પંડયા (ઉ.વ.8), ચીરાગભાઇ સુતરીયા (ઉ.વ.35) તેમના પત્ની હરીતાબેન સુતરીયા (ઉ.વ.35) અને તેમનો પુત્ર તથ્ય સુતરીયા (ઉ.વ.5) કારમાં બેસીને અમરેલી રાજકોટ આવતા હતા ત્યારે સમઢીયા ગામ પાસે અશોકભાઇ પંડયાની કાર સાથે સામેથી આવતી કાર અથડાઇ હતી. જે અકસ્માતમાં પારૂલ યુનિવર્સિટીના પ્રોફેસર અશોકભાઇ પંડયાનું મોત નીપજ્યુ હતું. જ્યારે કાર સવાર બાળકો સહિત પાંચ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન પાંચ વર્ષના તથ્ય સુતરીયાનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી. મૃતક તથ્ય તેના માતા-પિતાનો એકનો એક પુત્ર છે.