લંડન ફેશન વીકમાં ગુજરાતની માલધારી દીકરીના ભરતકામના વસ્ત્રોનો શો યોજાયો

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને માલધારી સમાજની પરંપરાગત હસ્તકળા માટે એક ઐતિહાસિક ક્ષણ તાજેતરમાં લંડન ફેશન વીકમાં સર્જાઈ હતી. રાંધેજા ગાંધીનગરના માલધારી સમાજની દીકરી અને FLAPPER6…

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને માલધારી સમાજની પરંપરાગત હસ્તકળા માટે એક ઐતિહાસિક ક્ષણ તાજેતરમાં લંડન ફેશન વીકમાં સર્જાઈ હતી. રાંધેજા ગાંધીનગરના માલધારી સમાજની દીકરી અને FLAPPER6 બ્રાન્ડના ફાઉન્ડર સોનલ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા પરંપરાગત રબારી ભરતકામ, હાથ ભરતકામ, જેકો મોતી ભરતકામથી તૈયાર કરવામાં આવેલા 25 જેટલાં વિવિધ અલગ-અલગ ડિઝાઇનર વસ્ત્રોના વિશેષ કલેક્શન – સમર 2027 BECOMINGનો ફેશન શો 20 સપ્ટેમ્બર 2026 ના રોજ સેન્ટ્રલ લંડનમાં આવેલા ફેશન સ્કાઉટ પ્રોટીન સ્ટુડિઓ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય લંડન ફેશન વીકમાં યોજાયો હતો.

તા 17 થી 21 સપ્ટેમ્બર 2026 દરમિયાન લંડન ફેશન વીકમાં યોજાયેલા ફેશન શોમાં સમગ્ર વિશ્વના ફેશન ડિઝાઇનરોએ ભાગ લીધો હતો. જેમાં FLAPPER6 ના ફાઉન્ડર સોનલ દેસાઈએ ભારતીય કારીગરી અને આધુનિક લક્ઝરી ફેશનનું સંયોજન રજૂ કર્યું હતું. તેમના કલેકશનમાં રબારી ભરતકામ, જેકો મોતી વર્ક, હેન્ડ પેઇન્ટિંગ, વૂલ, લેધર અને ડિજિટલ પ્રિન્ટ જેવી ટેકનિકનો સમાવેશ થયો હતો. વૈશ્વિક ડિઝાઈનરો અને ફેશનપ્રેમીઓની હાજરી વચ્ચે આ ફેશન શોમાં માલધારી સમુદાયના સાંસ્કૃતિક વારસા, આકર્ષક કલર કોમ્બિનેશન અને પરંપરાગત હાથ-ભરતકામની અનોખી ભાત ધરાવતા વસ્ત્રોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

FLAPPER6 ના ફાઉન્ડર સોનલ દેસાઈએ તેમના લંડન ફેશન વીકના અનુભવો અંગે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં યોજાતા પાંચ નામાકિંત ફેશન શો પૈકીના એક એવા લંડન ફેશન વીકમાં અમારા માલધારી સમાજના ભરતકામ કળાને રજૂ કરીને વૈશ્વિક પ્રતિસાદ મેળવવો એ મારા માટે તેમજ અમારા આખા સમાજ અને દેશ માટે અત્યંત ગર્વની વાત છે. અમને મળેલી આંતરરાષ્ટ્રીય સિધ્ધિ હું મારા સમાજને અર્પણ કરું છું. રબારી ભરતકામ માત્ર કપડાં પરનું કામ નથી, પણ આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ઓળખ છે.