ગુજરાત
ખંભાળિયાના વિજયનગરના પાટિયા પાસે બોલેરોની ઠોકરે સ્કૂટરચાલકનું મોત
ખંભાળિયા તાલુકાના વિજયનગર (કજૂરડા પાટિયા) પાસે રહેતા માંડણભાઈ ખેરાજભાઈ ભાણસુર નામના 40 વર્ષ ગઢવી યુવાન ગત તારીખ 2 ના રોજ તેમના પુત્ર નયનને સાથે લઈને તેમના એકટીવા મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા તાલુકાના સોડસલા ગામ નજીકના માર્ગ પરથી પસાર થતી વખતે એક વણાંકમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 8106 નંબરના એક બોલેરો વાહનના ચાલકે માંડણભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.આ જીવલેણ ટક્કરમાં સ્કૂટર સવાર માંડણભાઈ ભાણસુર પટકાઈ પડ્યા હતા અને તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાથે જઈ રહેલા નયનભાઈને પણ બંને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના નાનાભાઈ રાજાભાઈ ખેરાજભાઈ ભાણસુર (રહે. સંજયનગર)ની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે બોલેરો પીકઅપ વાનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી હતી.
દ્વારકા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત
દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ઓખા મઢી ગામ પાસેથી મોટરકાર લઈને જઈ રહેલા રાજકોટના રહીશ કિશોરસિંહ બહાદુરસિંહ જાડેજાની મોટરકાર સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 27 કે. 9504 નંબરના હ્યુન્ડાઈ મોટરસાયકલ કારના ચાલકે અકસ્માત સર્જતા કિશોરસિંહની મોટરકારમાં વ્યાપક નુકસાની થવા પામી હતી. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.