ગુજરાત
ભાટિયામાં બે બાઇકની ટક્કરમાં આશાસ્પદ યુવાનનું મોત
રોજડા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ધવલભાઈ દેવશીભાઈ વાઢેર (ઉ.વ. 20) અને તેમનો ભાઈ દીપકભાઈ દેવશીભાઈ વાઢેર (ઉ.વ. 22) નામના બે યુવાનો દીપોત્સવીના દિવસોમાં ગત તારીખ 31 મી ના રોજ તેમના જી.જે. 37 સી. 6230 નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે ભાટિયામાં પોસ્ટ ઓફિસ રોડ પરથી પસાર થતી વખતે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 એએ 1853 નંબરના એક મોટરસાયકલના ચાલકે ધવલના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા ધવલનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના ભાઈ દિપકને પણ નાની-મોટી ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
અકસ્માત સર્જીને આરોપી મોટરસાયકલ ચાલક પોતાનું મોટરસાયકલ લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના મામા કરસનભાઈ પરબતભાઈ આંબલીયા (ઉ.વ. 42, રહે. ભાટીયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી મોટરસાયકલના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે મૃતક યુવાનના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.
યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો
ભાણવડ તાલુકાના રોજડા ગામ ખાતે રહેતા સતિષભાઈ મેરામણભાઈ ખીસીરીયા નામના 27 વર્ષના યુવાનને આજથી આશરે એકાદ માસ પૂર્વે તાવ આવ્યો હતો અને આ તાવ મગજમાં ચડી જતા તે માનસિક રીતે આ સ્વસ્થ રહેતો હતો. આ પરિસ્થિતિમાં તેમણે પોતાના ઘરમાં પડેલી ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા મેરામણભાઈ કારાભાઈ ખીસીરીયાએ ભાણવડ પોલીસને કરી છે.