સામંથા રૂથ પ્રભુના ઘરે પારણું બંધાયું, કપલે શેર કરી પુત્રની પહેલી ઝલક

    સાઉથ સિનેમાની સિનેમા અને ‘ધ ફેમિલી મેન’ (The Family Man) ફેમ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ માતા બની છે. તેણે ૩૯ વર્ષની વયે બાળકને…

 

 

સાઉથ સિનેમાની સિનેમા અને ‘ધ ફેમિલી મેન’ (The Family Man) ફેમ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ માતા બની છે. તેણે ૩૯ વર્ષની વયે બાળકને જન્મ આપ્યો છે. સામંથાએ 19 નવેમ્બર, 2026ના રોજ એક દીકરાને જન્મ આપ્યો છે અને સોશિયલ મીડિયા પર પહેલી તસવીર શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે.અભિનેત્રીએ તેમના બાળકની પ્રથમ ઝલક પણ બતાવી છે અને તેનું નામ પણ જાહેર કર્યું છે.

સામંથા રૂથ પ્રભુએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે, જેમાં તેમનું બાળક સામંથા અને રાજ નિદિમોરુની આંગળીઓ પકડેલું જોવા મળે છે. તેમણે પોતાના પુત્રનું નામ ‘દેવ નિદિમોરુ’ રાખ્યું છે. આ તસવીર શેર કરતા સામંથા અને રાજે લખ્યું, “અમારો વહાલો દીકરો, દેવ નિદિમોરુ. 19.11.2026… આજે અમારું હૃદય જેટલું ખુશ છે, તેટલું પહેલાં ક્યારેય નહોતું. સામંથા અને રાજ.”

સામંથા અને રાજે પોતાના લાડલા દીકરાનું નામ ‘દેવ’ રાખ્યું છે. આ નામ સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ ભગવાન, ઈશ્વર, દિવ્ય શક્તિ અને સ્વર્ગીય થાય છે.

દીકરાના જન્મ પહેલાં સામંથા અને રાજે પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં ઘરે પરંપરાગત રીતરિવાજો મુજબ ખાસ પૂજા પણ કરી હતી. આ પૂજામાં સામંથા લાલ રંગના સુંદર સૂટમાં, જ્યારે રાજ પીચ રંગના કુર્તામાં જોવા મળ્યો હતો. તસવીરોમાં સામંથા હાથ જોડીને પૂજા કરતી અને પરિવારની વડીલ મહિલાઓ તેના માથા પર હાથ મૂકી તથા અક્ષત વરસાવીને આવનાર બાળકને આશીર્વાદ આપતી નજરે પડી હતી.

સામંથાએ ૨૪ જૂનના રોજ પોતાની પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. તેણે પોતાની તેલુગુ ફિલ્મ ‘મા ઇન્તિ બંગારમ’ (Maa Inti Bangaram)ની સફળતાના કાર્યક્રમમાં આ ખુશખબર આપી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, એક એક્શન ફિલ્મ માટે ગીતનું શૂટિંગ કરતી વખતે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે.

સપ્ટેમ્બર મહિનામાં, સામંથાએ સોશિયલ મીડિયા પર તેના ‘બેબી શાવર’ (ગોદ ભરાઈ) પ્રસંગની તસવીરો શેર કરી હતી, જેમાં તેણે ભારતીય પરંપરાઓ સાથેના પોતાના ઊંડા જોડાણ વિશે પણ વાત કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે, સામંથા અને રાજ તેમના પરિવાર સાથે લિંગ ભૈરવી મંદિરે ગયા હતા—આ એ જ મંદિર છે જ્યાં ડિસેમ્બર ૨૦૨૫માં આ દંપતી લગ્નના બંધનમાં બંધાયું હતું.

સામંથા અને રાજની મુલાકાત સૌપ્રથમ ‘ધ ફેમિલી મેન’ના સેટ પર થઈ હતી. ત્યારબાદ તેમણે ‘સિટાડેલ: હની બની’ (Citadel: Honey Bunny) માં પણ સાથે કામ કર્યું હતું. તેમના સંબંધો વિશે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી, પરંતુ બંનેએ ક્યારેય જાહેરમાં તેનો સ્વીકાર કર્યો ન હતો. જ્યારે તેમણે સાથે કેટલીક તસવીરો શેર કરી ત્યારે આ અટકળો વધુ તેજ બની ગઈ હતી, અને ૧ ડિસેમ્બરે તેમણે પોતાના લગ્નની તસવીરો શેર કરીને સંબંધને સત્તાવાર જાહેર કર્યો. તમિલનાડુના કોઈમ્બતુરમાં આવેલા ઈશા યોગા સેન્ટરમાં સ્થિત લિંગ ભૈરવી મંદિરમાં, પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના લગ્ન થયા હતા. તેમના લગ્ન ‘ભૂત શુદ્ધિ વિવાહ’ (Bhuta Shuddhi Vivaha) નામની યોગિક પરંપરા મુજબ સંપન્ન થયા હતા.