ગુજરાત
કેશોદના માખિયાળા પાસે આખલા સાથે બાઇક અથડાતા આધેડનું મોત
કેશોદ પંથકમાં જુદા જુદા બે સ્થળે બાઈક અકસ્માતની બે ઘટના સામે આવી છે જેમાં માખયાળા ગામ પાસે બાઈક આખલા સાથે અથડાતા બાઈક ચાલક આધેડનું મોત નીપજ્યું હતું. જ્યારે બંધન પીપળા પાસે બાઇક સ્લીપ થતા પુત્રની નજર સામે જ પિતાનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢમાં આવેલા દોલતપરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ છગનભાઈ ધંધુકિયા નામના 56 વર્ષના આધેડ પોતાનું બાઈક લઈને માખયાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા ઉપર ધસી આવેલા આખલા સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મનસુખભાઈ ધંધુકિયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મનસુખભાઈ ધંધુકિયા ચાર ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મજૂરી કામ પર જઈ રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કેશોદના સોંદરકા ગામે રહેતા મનસુખભાઈ રણછોડભાઈ બગથરીયા નામના 65 વર્ષના વૃદ્ધ પોતાના પુત્ર રવિ બગથરીયાના બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે કેશોદ રોડ ઉપર બંધન પીપળા પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા મનસુખભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે કેશોદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.