કેશોદના મઘરવાડામાં વાડીમાં કેરી વીણતા આધેડને દીપડાએ માથામાં પંજો માર્યો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવતા મધરવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી આંબાની વાડીમાં મનસુખભાઈ ધુડા નામના…

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવતા મધરવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી આંબાની વાડીમાં મનસુખભાઈ ધુડા નામના આધેડ જ્યારે નીચે પડેલી કેરીઓ એકઠી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ મનસુખભાઈના માથાના ભાગે પંજો મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તાત્કાલિક સારવાર અને બચાવ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મનસુખભાઈએ હિંમત દાખવી તુરંત જ ઘરે ફોન કરી પુત્રને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક ગાડી લઈને વાડીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મનસુખભાઈના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દીપડાઓની અવરજવર વર્ષોથી છે, પરંતુ મનુષ્ય પર હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે.

વન વિભાગની કાર્યવાહી અને ગ્રામજનોમાં ફફડાટ આ ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસક દીપડાને વહેલી તકે જેર કરવા માટે વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ હુમલાને પગલે મધરવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતો અને શ્રમિકોમાં ભયનો માહોલ હોવાથી વન વિભાગ દીપડાને વહેલી તકે પાંજરે પૂરે તેવી માંગ ઉગ્ર બની છે. વારંવાર હિંસક પ્રાણીઓ રહેણાંક અને વાડી વિસ્તારમાં આવી ચડતા હોવાથી હવે લોકો ખેતરે જવામાં પણ ડર અનુભવી રહ્યા છે.