ગુજરાત
ગઢડા ગામે શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં આપઘાત
પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ હોવાથી ઝેર પી લઇ મોતને મીઠું કર્યું
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં રહેતા એક શ્રમિક યુવાને પોતાની પત્નીના વિયોગમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ હોવાથી તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની, અને હાલ ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં રહેતા રઘુભા હેમુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નવલસિંહ ઉસીયાભાઈ મંડલોઈ નામના 25 વર્ષના આદિવાસી શ્રમિક યુવાને પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી પ્રદીપભાઈ ખુમસિંહ આદિવાસીએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકની પત્ની બે દિવસ પહેલાં રિસાઈને તેના માવતરે ચાલી ગઈ હતી, જેથી તેને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.