Site icon Gujarat Mirror

છેડતી કરનાર શ્રમિકની હત્યા કરી લાશ અગાસી પરથી નીચે ફેંકી દીધી

શહેરના રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ સામેની શેરીમાં ચાલી રહેલા એક મકાનના બાંધકામ સ્થળે ગત સોમવારની રાત્રે એક અત્યંત સનસનાટીભર્યો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઓરિસાના વતની અને કડીયાકામ-ચણતરનું કામ કરતા દુખીશ્યામ બાગ નામના શ્રમિક યુવકની ત્રણ સાથી શ્રમિકો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવ અંગે મૃતકના સગા ભત્રીજા પ્રફુલ્લભાઈ સુગરીયા દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની વિગતવાર વિગતો અનુસાર, રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલી જય વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસ વાળી શેરીમાં શ્રી બંગ્લોઝની બાજુમાં એક નવરચિત મકાનની બાંધકામ સાઇટ આવેલી છે. આ સાઇટ પર મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની એવા પીંજુ કેવનભાઈ ભૂરીયા, અજીત કેવનભાઈ ભૂરીયા અને રાજેશ કૈલાશ ભૂરીયા મજૂરી તથા ચણતરનું કામ કરતા હતા. ગત સોમવાર તા. 14 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે અજીતની પત્ની આશા અને પીંજુની નાની બહેન તાનુ મકાનના નીચેના રૂૂમમાં રસોઈ બનાવી રહ્યા હતા. તે જ સમયે ઓરિસાથી આવીને અહીં કામ કરતો દુખીશ્યામ બાગ અચાનક તે રૂૂમમાં પ્રવેશ્યો હતો અને તેણે તાનુનો હાથ પકડી લેતા ગભરાયેલી તાનુએ બૂમાબૂમ કરી મૂકી હતી.

તાનુની બૂમો સાંભળીને નજીકમાં જ હાજર પીંજુ, અજીત અને રાજેશ તાત્કાલિક રૂૂમમાં દોડી આવ્યા હતા. પોતાની બહેનની છેડતી થતાં ત્રણેય જણા અત્યંત આવેશમાં આવી ગયા હતા અને દુખીશ્યામ સાથે બોલાચાલી શરૂૂ કરી દીધી હતી. ઉગ્ર ઝઘડા દરમિયાન પોતાની જાતને ઘેરાયેલી જોઈ દુખીશ્યામે ત્યાં પડેલી ઈંટો તેમના પર ફેંકવાનું શરૂૂ કર્યું હતું અને પોતાનો જીવ બચાવવા માટે મકાનની સીડીઓ ચડીને બીજા માળના ધાબા પર ભાગી ગયો હતો. પોતાના પર ઈંટોના ઘા થતાં વધુ ઉશ્કેરાયેલા ત્રણેય આરોપીઓ ધાબા પર તેની પાછળ દોડી ગયા હતા અને તેમની ગળે ટૂપો આપી તેમની હત્યા કરી હતી.

બીજા દિવસે સવારે લોહીલુહાણ મૃતદેહ મળી આવતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.પ્રાથમિક તબક્કે અકસ્માતનો ગુનો લાગતો હોવા છતાં પોલીસે શંકાના આધારે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટમાં તબીબે સ્પષ્ટ જણાવ્યું હતું કે યુવકનું મોત અકસ્માતે પડવાથી નહીં પરંતુ ગળે ટૂંપો આપવાથી તથા શરીરે બાહ્ય અને આંતરિક ગંભીર ઈજાઓ પહોંચાડવાથી થયું છે.

આ મામલે મૃતકના ભત્રીજા પ્રફુલ્લભાઈ સુગરીયાની ફરિયાદ પરથી પ્રદ્યુમનનગર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.ડી. મકવાણા દ્વારા આરોપી પીંજુ ભૂરીયા, અજીત ભૂરીયા અને રાજેશ ભૂરીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 103(1), 3(5) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ મામલે હાલ ત્રણેય આરોપીને પ્ર.નગર પોલીસના પીઆઇ મકવાણા અને સ્ટાફે પકડી વધુ પૂછપરછ કરી હતી.

તારથી ગળે ટૂંપો આપી હત્યા કરી, રાત્રે 1 વાગ્યે અગાસી પર જઈ લાશને નીચે ફેંકી

આ સમગ્ર ઘટનામાં આરોપી રાજેશે ધાબા પર પડેલા પાવડાનો લાકડાનો હાથો ઉપાડીને દુખીશ્યામના પડખાના અને શરીરના અન્ય ભાગો પર ઘા ઝીંકી દીધા હતા,જેના કારણે દુખીશ્યામ જમીન પર ઢળી પડ્યો હતો.ત્યારબાદ ત્રણેય આરોપીઓએ છાતી અને પેટના ભાગે આડેધડ પાટા મારવાનું ચાલુ રાખ્યું હતું. આટલેથી જ ન અટકતા, ત્યાં સેન્ટિંગના કામ માટે રાખવામાં આવેલો લોખંડનો તાર પડ્યો હતો. આરોપી રાજેશે અને અજીતે દુખીશ્યામને મજબૂતીથી પકડી રાખ્યો હતો, જ્યારે પીંજુએ લોખંડનો તાર લઈને દુખીશ્યામના ગળાની ફરતે વીંટાળી દીધો હતો અને પૂરી તાકાતથી તાર ખેંચીને ગળે ટૂંપો આપી દીધો હતો. શ્વાસ રુંધાવાથી અને શરીરે થયેલી ગંભીર ઈજાઓના કારણે દુખીશ્યામનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ નીચે આવી ગયા હતા. જોકે, બનાવને છુપાવવા અને પોલીસને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી મોડી રાત્રે આશરે એક વાગ્યાના સુમારે ત્રણેય આરોપીઓ ફરીથી ધાબા પર ગયા હતા. ત્યાં પડી રહેલી દુખીશ્યામની લાશને ટીંગાટોળી કરીને ધાબા પરથી નીચે લાવી મકાનની નવેળાની દીવાલની બહાર ફેંકી દીધી હતી, જેથી આ બનાવ અકસ્માતે ઊંચાઈ પરથી પડી જવાથી થયેલો લાગે.

Exit mobile version