સારંગપુર BAPS મંદિરના રથયાત્રા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું

ગુજરાત મિરર, બોટાદ તા.17 બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ…

ગુજરાત મિરર, બોટાદ તા.17
બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ અત્યંત હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભક્તિ અને શ્રદ્ધાના આ મહાપર્વમાં 400 કરતાં વધુ સંતો અને દેશ-વિદેશમાંથી પધારેલા હજારો હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ દર્શનનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કર્યો હતો.

આજના આ ઉત્સવમાં ભગવાનના રથનું નિર્માણ અને શણગાર હૂબહૂ પરંપરાગત જગન્નાથ પુરીમાં વપરાતા રથના આકાર જેવો જ કરવામાં આવ્યો હતો. સારંગપુર મંદિરના વિશાળ અને સુંદર પરિસરમાં સંતો અને ભક્તો દ્વારા ભગવાનના આ દિવ્ય રથને ખેંચીને એક ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. ગગનભેદી જયનાદ, કીર્તન-ભક્તિ અને ભગવા વસ્ત્રોમાં સજ્જ સેંકડો સંતોની એકસાથે ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને અત્યંત ભક્તિમય અને દિવ્ય બનાવી દીધું હતું.રથયાત્રાના આ પવિત્ર અવસરે ભગવાન સમક્ષ ભક્તિભાવપૂર્વક પરંપરાગત પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

મહંત સ્વામી મહારાજે રથયાત્રાના ઉત્સવમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સૌને દર્શનદાન આપ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ ભક્તમેદનીને આશીર્વાદ પાઠવતાં મહંત સ્વામી મહારાજે એક અત્યંત માર્મિક અને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. સ્વામીએ જણાવ્યું હતું કે, જેમ આજે આપણે ભગવાનનો રથ ખેંચી રહ્યા છીએ, તેમ જો આપણા જીવનનો રથ પણ ભગવાન અને ગુરુના હાથમાં સોંપી દઈએ, તો આપણું જીવન ખરા અર્થમાં ધન્ય અને સાર્થક બની જાય છે. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી સારંગપુરના આંગણે ઉજવાયેલો આ રથયાત્રા મહોત્સવ સૌ ભક્તોના હૃદયમાં ભક્તિ, સમર્પણ અને પરમ શાંતિની અનોખી અનુભૂતિ કરાવી ગયો.