ધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોત

સુરાપુરા દાદાના દર્શન કરી હાથ-પગ ધોતી વખતે પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં જન્મદિવસના દિવસે જ…

સુરાપુરા દાદાના દર્શન કરી હાથ-પગ ધોતી વખતે પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં જન્મદિવસના દિવસે જ 19 વર્ષીય યુવતીનું નદીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. સમગ્ર ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ જાલિયા માંસર ગામે રહેતી ઇશીતાબેન વસંતભાઈ સોલંકી (ઉ.વ.19) નો તા.10 મે 2026 ના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે ઇશીતાબેન ગામ પાસે આવેલી ઉંડ નદી કાંઠે સ્થિત સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.

દર્શન કર્યા બાદ તેઓ નદી કાંઠે હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસી જતાં તેઓ નદીના ઊંડા પાણીમાં પડી ગયા હતા અને ડૂબી ગયા હતા. આસપાસના લોકોએ તેમને બહાર કાઢી તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 194 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ધ્રોલ પોલીસના પો.હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજા ચલાવી રહ્યા છે.

સિક્કામાં મહિલાનું ઉલટી થયા બાદ મોત
જામનગર જિલ્લાના સિક્કા વિસ્તારમાં એક મહિલાને અચાનક ઉલટી-ઉબકા થતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, સિક્કા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.

મૃતક સલમાબેન અનવરભાઈ ગંઢાર (ઉ.વ. 30), રહે. શાક માર્કેટ , સિક્કા ને પોતાના ઘેર ઉલટી થવા લાગતાં બેભાન બન્યા હતા. આથી તેમને સિક્કા સીએચસી ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અમીનાબેન ભગાડ દ્વારા પોલીસના જાણ કરવામાં આવતા પોલીસે જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.