દિવાળી પહેલા જ મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો વધારો કરવામાં આવ્યો છે. માત્ર 14 દિવસમાં બીજી વખત ભાવ વધારતાં સીએનજીના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ત્યારે તહેવારોના માહોલમાં થયેલો આ ભાવવધારો વાહનચાલકો માટે મુશ્કેલી વધારશે.
અમદાવાદમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયા 30 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે સીએનજીનો નવો ભાવ 100 રૂપિયા 77 પૈસા પર પહોંચી ગયો છે. તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 23 ઓક્ટોબરના રોજ અદાણી દ્વારા સીએનજીના ભાવમાં એકસાથે 4 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. જેના પગલે ભાવ પ્રતિ કિલો 98 રૂપિયા 47 પૈસા થયા હતા. હવે માત્ર 14 દિવસમાં જ ફરી ભાવ વધારો થતાં સીએનજી 100 રૂપિયાને પાર થઈ ગયો છે.
એક તરફ દિવાળીના તહેવારોમાં લોકો ખરીદી અને મુસાફરીનું આયોજન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી વાહનચાલકોની મુશ્કેલી વધી શકે છે. ખાસ કરીને રિક્ષા અને ટેક્સીચાલકો પર આર્થિક ભાર વધશે, જેની અસર મુસાફરોના ભાડા પર પણ જોવા મળી શકે છે. ત્યારે દિવાળી પહેલા થયેલો આ ભાવ વધારો સામાન્ય જનતાના બજેટને કેટલો અસર કરશે તે જોવું રહ્યું.
