રાષ્ટ્રીય
ચેન્નાઇની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરને મહિલા દર્દીના પુત્રએ છરીના 7 ઘા ઝીંક્યા
રાજયભરમાં સરકારી ડોક્ટરો હડતાળ પર, સારવાર સરખી ન કરી હોવાના આક્ષેપ સાથે હુમલો કર્યો
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક પુત્રએ તેની માતા સાથે યોગ્ય સારવાર ન કરવાનો આરોપ લગાવીને ડોક્ટર પર ચાકુ વડે હુમલો કર્યો. આરોપી પુત્રએ ડોક્ટર પર છરી વડે સાત વાર કર્યા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. ડોક્ટરની બૂમો સાંભળીને હોસ્પિટલ સ્ટાફ ઝડપથી સ્થળ પર પહોંચી ગયો અને આરોપી પુત્રને પકડી લીધો. આ પછી કર્મચારીઓએ પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને આરોપીની ધરપકડ કરી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થયા છે.
મામલો કલાઈન્નાર સેન્ટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો છે. હોસ્પિટલમાં એક મહિલા દર્દીને દાખલ કરવામાં આવી હતી. મહિલા દર્દીનો પુત્ર પણ તેની સાથે આવ્યો હતો, પરંતુ તે હોસ્પિટલમાં તેની માતાની સારવારથી ખુશ નહોતો. બુધવારે મહિલા દર્દીનો પુત્ર તેની માતાની સારવાર અંગે ડોક્ટર સાથે વાત કરવા બહારના દર્દીઓના રૂૂમમાં ગયો હતો. વાતચીત દરમિયાન તેણે અચાનક તબીબ પર છરી વડે હુમલો કર્યો હતો.
આરોપી પુત્રએ તબીબને ગરદન, કાન પાછળ, છાતી, કપાળ, પીઠ, માથું અને પેટના ભાગે છરી વડે સાત વાર કર્યા હતા, જેના કારણે ખૂબ લોહી વહી ગયું હતું. હોસ્પિટલના ઈમરજન્સીમાં તૈનાત એનેસ્થેસિયોલોજિસ્ટ ઓફિસરે જણાવ્યું કે ડોક્ટર પોતે હાર્ટ પેશન્ટ છે. તેણે હાર્ટ સર્જરી કરાવી છે. હુમલામાં ડોક્ટરને ઘણું લોહી વહી ગયું હતું. તેની સારવાર કરવામાં આવી રહી છે. અત્યારે તે ગંભીર છે. ઓપરેશન કરવામાં આવ્યું છે. સ્થિતિ સ્થિર થતાં સાતથી આઠ કલાકનો સમય લાગશે.
એનેસ્થેસિયોલોજિસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે મહિલા દર્દીના પુત્ર દ્વારા છરી વડે હુમલા દરમિયાન ચીસો સાંભળીને હોસ્પિટલનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દરવાજો અંદરથી બંધ હોવાથી તરત જ ખોલી શકાયો ન હતો. બાદમાં સુરક્ષાકર્મીઓ, કર્મચારીઓ અને અન્ય લોકોની મદદથી ડોક્ટરને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા પોલીસ પહોંચી અને મહિલા દર્દીના આરોપી પુત્રની ધરપકડ કરી. હુમલાખોરની ઓળખ વિગ્નેશ તરીકે થઈ હતી. વિગ્નેશની માતા કંચના હોસ્પિટલમાં દાખલ છે.
પીડિત ડોક્ટરનું નામ બાલાજી છે. બાલાજી એક પ્રખ્યાત ઓન્કોલોજિસ્ટ છે અને કલાઈન્નાર સેન્ટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેડિકલ ઓન્કોલોજી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરે છે. હોસ્પિટલમાં તબીબ પર થયેલા આ હુમલા બાદ સરકારી તબીબોએ તેની સખત નિંદા કરી છે અને હડતાળનું એલાન આપ્યું છે. એવું કહેવાય છે કે રાજ્યના આરોગ્ય મંત્રી માન. સુબ્રમણ્યમ ડોક્ટરો સાથે વાત કરશે.
કહેવાય છે કે હુમલા બાદ ડો.બાલાજીની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી. સર્જનોની ટીમ દ્વારા તરત જ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. વધુ લોહીની ખોટ હતી. તેને લોહી ચઢાવવાના બે યુનિટ આપવામાં આવ્યા હતા અને તમામ ઘાને ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે. ડોક્ટર અને હુમલાખોર વચ્ચે એવું શું બન્યું કે તેણે છરી વડે હુમલો કર્યો, તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.