વગર દૂધાળા પશુઓએ દરરોજ 850 લિટર દૂધ બનાવનાર ઝબ્બે

જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાનું રેકેટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી નકલી દૂધ બનાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જૂનાગઢમાં ક્રાઇમ…

જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાનું રેકેટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી નકલી દૂધ બનાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ડુંગરપુરના ચાંદની ચોક વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન ઇકબાલ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પામોલીન તેલ, દૂધ બનાવવાના પાવડર અને પાણીનું મિશ્રણ કરીને બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. પ્રાથમિક તપાસ મુજબ આરોપી છેલ્લા 4થી 5 મહિનાથી આ રીતે નકલી દૂધ બનાવતો હોવાની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીના મકાનમાં દરરોજ આશરે 800થી 880 લીટર જેટલું બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ બનાવટી દૂધને અસલ દૂધમાં મિક્સ કરીને વિવિધ ડેરીઓમાં વેચવામાં આવતું હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. આ બનાવટી દૂધ નાગલપુર અને નાંદરખી વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ ડેરીઓમાં વેચવામાં આવતું હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે. જોકે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે આરોપીના મકાનમાંથી બનાવટી દૂધ સહિત અંદાજે રૂૂ. 86 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા બનાવટી દૂધના નમૂનાઓ વધુ તપાસ માટે ઋજક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન બનાવટી દૂધના નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ અને આ દૂધ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.