ગુજરાત
સાસણ ફોરેસ્ટ કોલોનીમાં ચર્ચાસ્પદ ઘટના
જૂનાગઢના સાસણમાં ફોરેસ્ટ સ્ટાફ કોલોનીમાં ગતતા.31 ઓકટોબરે એક ઘટના બની હતી, જે હવે જંગલ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે. સૂત્રોનું માનીએ તો, તે રાત્રે એક વન રક્ષક બહેન ફરજ પર જવા માટે પોતાના સ્ટાફ ક્વાર્ટરમાંથી નીકળી રહી હતી. તે સમયે તેમણે એક અજાણ્યા પુરુષને કોલોનીમાં તેમના પુત્રને પેશાબ કરાવતા જોયા હતા. ફોરેસ્ટ સ્ટાફની કોલોનીમાં ફોરેસ્ટ કર્મચારીઓ અને તેમના પરિવારજનો રહેતા હોવાથી વન રક્ષક બહેને શાંતિથી તેમને ત્યાં પેશાબ ન કરાવવા અને કોલોનીની બહાર જવાની વિનંતી કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા આ પુરુષે વન રક્ષક બહેન સાથે હિન્દી ભાષામાં ઉગ્ર રીતે બોલવાનું શરૂૂ કર્યું હતું. આ વિવાદ વધતા ત્યાં જ રહેલી એક ફોરેસ્ટરની પત્ની પણ બહાર આવી હતી અને વન રક્ષક બહેનને સમર્થન આપ્યું હતું. આ જોતાં આસપાસના લોકો પણ ભેગા થવા લાગ્યા હતા અને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.
આ દરમિયાન આ હિન્દી ભાષી પુરુષ સાથે આવેલા અન્ય એક અધિકારી જેવા લાગતા પુરુષે ફરી ઝઘડો શરૂૂ કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ વાતચીત દરમિયાન આ હિન્દી ભાષી પુરુષે વન રક્ષક અને ફોરેસ્ટરને ખુલ્લી ધમકી આપી કે, હું તમને જોઈ લઈશઅને ગાળો પણ બોલ્યા હતા. આ કારણે ક્રોધિત એક ફોરેસ્ટર ભાઈએ આ વ્યક્તિને 3-4 લાતો મારી દીધી હતી.
આ મામલો વધુ ઉગ્ર બનતા આસપાસ ભીડ એકઠી થઈ ગઈ હતી. આ વિવાદને કાબૂમાં લાવવા માટે DCF મોહનરામને જાણ કરવામાં આવી હતી. જેમની તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે, આ વિવાદમાં સામેલ બેમાંથી એક IFS અધિકારી હતા અને તેમના સાથી IAS અધિકારી હતા. આ ઘટના બાદ વન વિભાગના સ્થાનિક ઉચ્ચ અધિકારીઓએ વન રક્ષક અને ફોરેસ્ટરને તેમના સમર્થનની ખાતરી આપી હતી. જોકે, ફોરેસ્ટ સ્ટાફે આ વિવાદને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓને કહ્યું કે, જો આ વિવાદને કારણે સ્ટાફના સભ્યોને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે તો વન કર્મચારી મંડળ દ્વારા આંદોલન કરવામાં આવશે. હાલ તો સ્થાનિક અધિકારીઓએ સ્ટાફને શાંતિ જાળવવા અપીલ કરી છે અને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી સાથે વિવાદને સમાધાન તરફ દોરી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.