ત્રેવડી સદી અને 7 વિકેટ, વિયાન મુલ્ડરે ટેસ્ટ ઇતિહાસમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સાઉથ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે તે કમાલ કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ ક્રિકેટર કરી શક્યો નથી. વિયાન મુલ્ડર…

સાઉથ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે તે કમાલ કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ ક્રિકેટર કરી શક્યો નથી. વિયાન મુલ્ડર પોતાના ટેસ્ટ કરિયરમાં ત્રેવડી સદી ફટકારવા અને એક ઈનિંગમાં 7 વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. તેના આ શાનદાર પ્રદર્શનની મદદથી આફ્રિકાએ બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 219 રનના વિશાળ અંતરથી હરાવી સિરીઝ 2-0થી કબજે કરી છે.

વિયાન મુલ્ડરની આ ઐતિહાસિક સિદ્ધિનો પાયો પાછલા વર્ષે રાખવામાં આવ્યો હતો. 7 જુલાઈ 2025ના બુલાવાયોમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વિયાન મુલ્ડરે 297 બોલમાં ત્રેવડી સદી ફટકારતા અણનમ 367 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં આફ્રિકાએ ઈનિંગ અને 236 રનથી જીત મેળવી હતી. હવે સેન્ચુરિયનમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ઈનિંગમાં તેણે માત્ર 31 રન આપી 7 વિકેટ ઝડપતા ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી અને 7 વિકેટ હોલનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ 31 રન આપી 7 વિકેટનો આ શાનદાર સ્પેલ કોઈપણ આફ્રિકાના બોલરનું બાંગ્લાદેશ વિરુદ્ધ એક ટેસ્ટ ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ મામલામાં વિયાન મુલ્ડરે પોતાના સાથી સ્પિનર કેશવ મહારાજને પાછળ છોડી દીધો છે.

કેશવ મહારાજે વર્ષ 2022મા ડબરનમાં 32 રન આપી 7 વિકેટ અને તે જ વર્ષે ગકેબરહામાં 40 રન આપી સાત વિકેટ લીધી હતી. આ સિવાય સેન્ચુરિયનના મેદાન પર કોઈપણ બોલર દ્વારા કરવામાં આવેલું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અહીં સૌથી શાનદાર બોલિંગનો રેકોર્ડ કાઇલ એબોટ (29 રનમાં 7 વિકેટ, વિરુદ્ધ પાકિસ્તાન, 2013) ના નામે નોંધાયેલું છે.