Site icon Gujarat Mirror

રાજકોટથી ખરીદી કરી દેવકીગાલોલ જતા વેપારીનું ગોંડલ પાસે અકસ્માતમાં મોત

ગોંડલમાં સુરેશ્વર ફાટક પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક જેતપુરના દેવકીગાલોલ ગામે રહેતા વેપારીનું ગંભીર ઈજા થવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.વેપારી રાજકોટ કામ અર્થે આવ્યા બાદ સામાન લઈ પરત ઘરે જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.બનાવ અંગે યુવાનના કૌટુંબિક ભાઈની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. એકના એક પુત્રનું અકસ્માતમાં મોત થતાં પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, જેતપુરના દેવકીગાલોલ ગામે રહેતો પ્રિન્સ વિઠ્ઠલભાઈ સતાસીયા (ઉ.વ 22) નામનો યુવાન રાત્રિના બાઈક લઈને રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે રોડ પર ગોંડલ નજીક સુરેશ્વર ચોકડી પાસે પસાર થતો હતો.ત્યારે ટ્રક ના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન ત્યાં એકઠા થયેલા લોકોએ યુવાનને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવને લઈ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો મુજબ,આ ઘટનામાં જીવ ગુમાવનાર યુવાન પ્રિન્સ પરિવારનો એકનો એક પુત્ર હતો.પટેલ યુવાન ઘરે પેપર ડીશ તેમજ કિચનવેર તથા કપડા વગેરેનો ઓનલાઈન ઓર્ડર લઇ વેચાણ કરવાનું કામ કરતો હતો.ગઈકાલે યુવાન બાઈક લઈને રાજકોટ કામ સબબ આવ્યો હતો.બાદમાં સામાન લઈ પરત ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રાત્રિના દસેક વાગ્યા આસપાસ ફાટક પાસે ટ્રકચાલકે હડફેટે લેતા તેનું મોત થયું હતું.

બનાવ અંગે યુવાનના કૌટુંબિકભાઈ ભૌતિક ઘનશ્યામભાઈ સતાસિયા (ઉ.વ 24 રહે. દેવકી ગલોલ તા.જેતપુર) ની ફરિયાદ પરથી ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે ટ્રક નંબર જીજે 4 એક્સ 8323 ના ચાલક ભુપેન્દ્ર ભીખુભાઈ કોટીલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version