ગુજરાત
ગોંડલમાં ચેકિંગમાં ઊભેલા કોન્સ્ટેબલને કાર નીચે કચડવાનો બૂટલેગરનો પ્રયાસ
દારૂ ભરેલી કાર લઈ બૂટલેગર ફરાર, સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ
ગોંડલમાં પાંજરાપોળ પાસે વિદેશી દારૂ ભરેલી કારને રોકવા જતાં બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક કારને ઠોકરે ચડાવી નાસી છુટ્યો હતો આ સમગ્ર ઘટના અંગે ગોંડલ પોલીસે કોન્સ્ટેબલને ઠોકરે ચડાવનાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે બુટલેગરની કારને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ગત રાત્રે ગોંડલમાં પાંજરાપોળના પુલ પર દારૂૂ ભરેલી કારે ગોંડલ શહેર અ-ડિવિઝન પોલીસના કોન્સ્ટેબલને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. પુલ પરથી પસાર થતી અન્ય કારને પણ નુકશાન થવા પામ્યું છે. દારૂૂ ભરેલી કાર જસદણ તરફથી આવતી હતી જેમાં એક કારે ધારેશ્વર ચોકડી નજીકથી કોઈ એક અજાણ્યા ઇસમને કારમાં બેસાડ્યો હોવાનું સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.
ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર આવેલા પાંજરાપોળના પુલ પર બાતમીના આધારે ગોંડલ શહેર અ-ડિવિઝન પોલીસ તપાસ માટે ઉભી હતી. તે દરમિયાન ફોર્ચ્યુનર કાર ચાલક જે જસદણ તરફથી ગોંડલ શહેરમાં પ્રવેશી રહ્યો હતો. ત્યારે કારચાલક પોલીસે કરેલી નાકાબંધીને જોઈ જતા પાંજરાપોળના પુલ પરથી જ ફોર્ચ્યુનર કારને ફિલ્મી ઢબે વળાંક વાળતાં કોન્સ્ટેબલને અડફેટે લીધા હતા. જે બાદ પુલ પર અન્ય એક કારમાં અથડાવી નુકસાન કરી ફરી જસદણ તરફ કારચાલક નાસી છૂટ્યા હતા.
પોલીસ કોન્સ્ટેબલને સામાન્ય ઇજા થતાં ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અ-ડિવિઝન શહેર પોલીસના પીઆઈ એ.સી.ડામોર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારચાલકની અલગ અલગ સીસીટીવી ફૂટેજ આધારીત શોધખોળ શરૂૂ કરી હતી. ગોંડલ-જસદણ રોડ પર ધારેશ્વર ચોકડી નજીકથી જસદણ તરફથી આવતી ફોર્ચ્યુનર કારે કોઈ અજાણ્યાં ઇસમને રોડ પરથી બેસાડ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ દારૂૂનો જથ્થો કોનો હતો? કાર ચાલક કોણ હતો? તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.