ઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ…

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ બદલો લઈ રહ્યું હોવાનું જણાય છે. ગઈકાલે જોર્ડનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઇરાને એક જ રાતમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ તથા હેલિકોપ્ટરને ડેમેજ કરી દીધા હતા.

માહિતી અનુસાર ઈરાને જોર્ડનમાં મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવ્યું હતું. ત્યાં ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી અમેરિકાની ઊંઘ ઊડાડી દીધી હતી. આ હુમલા બાદ એવા ઘણા વીડિયો સામે આવ્યા હતા જેમાં અમેરિકાના ડેમેજ થયેલા સી હોક હેલકોપ્ટર, ફાઈટર જેટને બીજી લોકેશન પર ખસેડવામાં આવી રહ્યાનો દાવો કરાયો હતો.

અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે ઈરાનના હુમલામાં 8 જેટલા અમેરિકન એફ-15 ફાઈટર જેટને નુકસાન થયું હતું. જેને રિપેરિંગ કરાવવાની ફરજ પડી હતી. જોકે આ સાથે એક અ-10 થંડરબોલ્ટ જેને વોરથોગ પણ કહેવાય છે તે પણ આ હુમલાની લપેટમાં આવી ગયું હતું.

સૂત્રો તો એવું પણ કહે છે કે આ વિમાનની એક પાંખ જ ગાયબ થઇ ગઈ હતી. ઈરાનના હુમલાનો સામનો કરવા માટે અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો ઝીંકવી પડી હતી જે તેના માટે ખુબ ખર્ચાળ સાબિત થાય એમ છે.

બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ’વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, અમેરિકન પ્રમુખ ટ્રમ્પના કેટલાક વરિષ્ઠ સલાહકારોએ તેમને ખાનગીમાં ચેતવણી આપી છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ લાંબું ખેંચાઈ શકે છે. આ લડાઈ ટ્રમ્પના વર્તમાન કાર્યકાળના અંત એટલે કે જાન્યુઆરી 2029 સુધી પણ ચાલુ રહેવાની પૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.