8 ટીમ, 15 મેચ, અંડર-19 એશિયા કપનું શેડ્યુલ જાહેર

એશિયન ક્રિકેટ કાઉન્સિલે આગામી મેન્સ અંડર-19 એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. 9 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે. આ વખતે…

એશિયન ક્રિકેટ કાઉન્સિલે આગામી મેન્સ અંડર-19 એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. 9 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે અને તમામ મેચ ઓમાનના 2 પસંદગીના મેદાનો પર રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પાકિસ્તાનની અંડર-19 ટીમ મેદાનમાં ઉતરશે, જેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની શરૂૂઆત 5 નવેમ્બરથી થશે અને ખિતાબી મુકાબલો 14 નવેમ્બરે રમાશે. ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 8 ટીમને 4-4ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ અમાં ભારત, પાકિસ્તાન, UAE અને નેપાળની ટીમ સામેલ છે.

જ્યારે ગ્રુપ ઇમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઓમાનની યજમાનીમાં રમનારી મલેશિયાની ટીમને સ્થાન મળ્યું છે. લીગ તબક્કાની 12 મેચ બાદ બંને ગ્રુપની ટોચની 2-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ટુર્નામેન્ટનો રોમાંચ ચરમસીમાએ રહેશે, કારણ કે ભારત અને પાકિસ્તાન જેવી કટ્ટર હરીફ ટીમો એક જ ગ્રુપ અમાં છે. બંને ટીમ વચ્ચેનો મહામુકાબલો 8 નવેમ્બરે ઓમાનના OCA ગ્રાઉન્ડ 1 પર રમાશે. ક્રિકેટ ચાહકોની નજર આ હાઇ-વોલ્ટેજ મેચ પર રહેશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં UAEના ICC એકેડમી ગ્રાઉન્ડ પર રમાયેલી 2025ની ફાઇનલમાં પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો હતો.ફાઇનલ મુકાબલામાં ફરહાન યુસુફની કેપ્ટનશિપ હેઠળની પાકિસ્તાની ટીમે 191 રનથી જીત મેળવીને પોતાનો બીજો અંડર-19 એશિયા કપ ખિતાબ જીત્યો હતો. આ વખતે ભારતીય ટીમ એ હારનો બદલો લેવા અને કપ પોતાના નામે કરવા માટે મેદાનમાં ઉતરશે.

ટુર્નામેન્ટની મેચોની શરૂૂઆત 5 નવેમ્બરે 2 મેચ સાથે થશે. એક તરફ OCA ગ્રાઉન્ડ 2 પર શ્રીલંકા અને મલેશિયાની ટીમ આમને-સામને થશે, જ્યારે બીજી તરફ OCA ગ્રાઉન્ડ 1 પર બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે મુકાબલો થશે. 6 નવેમ્બરે ગ્રુપ અની મેચ રમાશે, જેમાં ભારતનો મુકાબલો નેપાળ સામે અને પાકિસ્તાનનો મુકાબલો UAE સામે થશે. ત્યારબાદ 7 નવેમ્બરે શ્રીલંકાનો સામનો બાંગ્લાદેશ સામે અને અફઘાનિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે.

ગ્રુપ તબક્કાની મેચ 10 નવેમ્બર સુધી ચાલશે. 8 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ઉપરાંત UAE અને નેપાળ વચ્ચે પણ મેચ રમાશે. 9 નવેમ્બરે બાંગ્લાદેશ અને મલેશિયા તથા શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. લીગ તબક્કાના અંતિમ દિવસે એટલે કે 10 નવેમ્બરે ભારતનો સામનો UAE સામે અને પાકિસ્તાનનો મુકાબલો નેપાળ સામે થશે. ફાઇનલ સિવાય દરેક મેચના દિવસે 2 મેચ એટલે કે ડબલ હેડર રમાશે.

આ સમગ્ર ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે, જેમ કે ગયા વર્ષે UAEમાં આયોજિત એડિશનમાં જોવા મળ્યું હતું. તમામ 15 મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યાથી શરૂૂ થશે. ઓમાન ક્રિકેટ એકેડમીના OCA ગ્રાઉન્ડ 1 અને OCA ગ્રાઉન્ડ 2 પર રમાનારી આ મેચો દ્વારા એશિયાની આગામી પેઢીના યુવા સ્ટાર્સ પોતાની પ્રતિભા બતાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હવે આ વખતે ભારતીય ટીમ વધુ એક ખિતાબ પોતાના નામે કરશે કે પછી પાકિસ્તાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે, તેનો નિર્ણય 14 નવેમ્બરે ફાઇનલના દિવસે જ થશે.

સેમિફાઇનલ અને ફાઇનલનું શેડ્યુલ
લીગ તબક્કા બાદ નોકઆઉટ મેચનો તબક્કો શરૂૂ થશે. બંને સેમિફાઇનલ મેચ 12 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમિફાઇનલ OCA ગ્રાઉન્ડ 2 પર ગ્રુપ અની ટોચની ટીમ અને ગ્રુપ ઇમાં બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલ OCA ગ્રાઉન્ડ 1 પર ગ્રુપ ઇની વિજેતા ટીમ અને ગ્રુપ અની રનર-અપ ટીમ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ જીતનારી ટીમ 14 નવેમ્બરે OCA ગ્રાઉન્ડ 2 પર રમાનારી ખિતાબી મેચમાં આમને-સામને થશે.