ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 શ્રમિકોના મોત: 14 ઘાયલ; એક હજુ લાપતા

  ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પીપલકોટી ખાતે THDCની વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની ટનલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટનલની અંદર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક…

 

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પીપલકોટી ખાતે THDCની વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની ટનલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટનલની અંદર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક કાટમાળ અને પાણીનો ભારે પ્રવાહ ધસી આવતા અંદાજે 22 મજૂરો ટનલમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ SDRF અને NDRFની ટીમો સહિત સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં 20 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 7 મજૂરોના મોત થયા છે, જ્યારે 14 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ મજૂરોને તાત્કાલિક ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાંથી 3થી 4 મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ચમોલીના પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પવારે જણાવ્યું કે, અકસ્માત સાંજે લગભગ 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે થયો હતો. ટનલના મુખ્ય પ્રવેશદ્વારથી આશરે 1.5થી 1.8 કિલોમીટર અંદર એક કેવિટીમાંથી અચાનક ભારે માત્રામાં કાદવ, કાટમાળ અને પાણી ધસી આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમો દ્વારા મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ટનલમાંથી પાણી બહાર કાઢવા માટે ત્રણ મોટા પંપ પણ લગાવવામાં આવ્યા છે. જોકે, ટનલમાં કાદવ અને પાણીનું પ્રમાણ વધતા બચાવ કામગીરીમાં હાઅડચણ ઊભી થઈ છે અને એક મજૂર હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોમાં ઉત્તરાખંડના તેહરી અને ચમોલીના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય મૃતકો બિહાર અને ઝારખંડના હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાં મોટાભાગના મજૂરો ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના છે. જ્યારે એક-એક મજૂર પંજાબ અને હિમાચલ પ્રદેશનો હોવાનું તંત્રએ જણાવ્યું છે. મૃતકોમાં મુકેશ, પ્રદીપ પંવાર, દુર્લભ શર્મા, વિજય, જિતેન્દ્ર, લકેશ્વર અને ઘુનેશ્વર સામેલ છે.અકસ્માની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની છે. બચાવ કામગીરી પર ઉચ્ચ અધિકારીઓ નજર રાખી રહ્યા છે.

બીજી તરફ, ચમોલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે પડેલા ધોધમાર વરસાદને કારણે તમક નાલામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે BRO દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલો લોખંડનો નવો પુલ પણ તણાઈ ગયો હતો.