જૂનાગઢ જિલ્લામાં 60.56 ટકા અને કેશોદ નગરપાલિકામાં 57.47 ટકા મતદાન

  જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વહેલી સવારના 7…

 

જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

વહેલી સવારના 7 વાગ્યાથી શરૂૂ થયેલું મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. સમગ્ર જિલ્લામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જોકે, દિવસ દરમિયાન વંથલી તાલુકાના સેંદરડા ગામે બનેલી એક અપ્રિય ઘટનાને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ટેટિવ આંકડા મુજબ, જિલ્લામાં લોકશાહીના આ પર્વમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં કુલ 60.56% મતદાન નોંધાયું છે. જાતિવાર વિગતો જોઈએ તો પુરુષ મતદારોમાં મતદાનનું પ્રમાણ 64.93% રહ્યું છે, જ્યારે સ્ત્રી મતદારોમાં આ પ્રમાણ 55.72% નોંધાયું છે.

જિલ્લાના કુલ 7,71,030 મતદારોમાંથી 4,66,908 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેમાં 2,62,668 પુરુષો અને 2,04,240 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ મતદાન માળિયા હાટીના તાલુકામાં 66.80% જોવા મળ્યું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન જૂનાગઢ તાલુકામાં 57.27% નોંધાયું છે. વિવિધ તાલુકાઓના મતદાનની ટકાવારી પર નજર કરીએ તો, વંથલીમાં 61.17%, માણાવદરમાં 61.46%, વિસાવદરમાં 58.04%, ભેંસાણમાં 58.07% અને મેંદરડામાં 60.21% મતદાન થયું છે.

એવી જ રીતે કેશોદ તાલુકામાં 60.01% અને માંગરોળમાં 59.73% મતદાન નોંધાયું છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિ જોવા મળી છે. ખાસ કરીને પુરુષોની સરખામણીએ સ્ત્રીઓના મતદાનની ટકાવારી તમામ તાલુકાઓમાં થોડી ઓછી રહી છે પરંતુ, માળિયા હાટીનામાં સ્ત્રીઓએ પણ 62.39% જેવું ઊંચું મતદાન કરીને નવો રાહ ચીંધ્યો છે.

ચૂંટણીની આ પ્રક્રિયા દરમિયાન વંથલી તાલુકાના સેંદરડા ગામે એક હિંસક ઘટના બની હતી. મતદાન મથક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના એજન્ટો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. આ સંઘર્ષને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું અને એક મોટું ટોળું મતદાન મથક સુધી ધસી આવ્યું હતું. પરિસ્થિતિ વણસે નહીં અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે ફરજ પરના પ્રિસાઈડિંગ ઓફિસરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ’ક્લોઝ બટન’ દબાવી દીધું હતું અને મતદાન અટકાવી દીધું હતું.

કેશોદ પાલિકામાં 57 ટકા મતદાન
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીની સાથે જ કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કુલ 57.47% મતદાન થયું છે. અહીં કુલ 53,495 મતદારોમાંથી 30,741 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં પુરુષોનું મતદાન 61.43% અને સ્ત્રીઓનું મતદાન 53.15% રહ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં 17,133 પુરુષો અને 13,608 સ્ત્રીઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરી સ્થાનિક સરકાર ચૂંટવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.