ક્રાઇમ
એસ્ટેટ બ્રોકરને ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપી 55 લાખની ઠગાઈ
સુરતના 4 શખ્સોએ લાલચ આપી રાજકોટના એસ્ટેટ બ્રોકરને શીશામાં ઉતાર્યા: દુબઈમાં આંગડિયા મારફતે 55 લાખ મગાવી પિતા-પુત્ર સહિતની ટોળકીએ હાથ ઉંચા કરી દીધા
રાજકોટમાં રહેતા એસ્ટેટ બ્રોકરને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી રૂા. 55 લાખની છેતરપીંડી કરતા તેના જ 4 મિત્રો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ચાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે. એસ્ટેટ બ્રોકર સુરત ગયા ત્યારે મિત્ર મારફતે થયેલી ઓળખાણ બાદ ઓછુ રોકાણ કરી જાજુ વળતર મેળવવાની લાલચમાં તેમણે 55 લાખ ગુમાવવા પડ્યા હતાં.
મળતી વિગતો મુજબ રાજકોટના નીલસીટી ક્લબ એડલફી એંકલાઉ ફ્લેટ નં. ડી-302માં રહેતા અને જમીન લે-વેચનું વ્યવસાય કરતા એસ્ટેટ બ્રોકર દેવેનભાઈ દિલીપભાઈ મહેતા (ઉ.વ.39)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં મોટા વરાછામોં ડીમાર્ટ પાસે રોયલ હિલ્સ ગ્રિન પ્લાઝા સી-304માં રહેતા રાજુભાઈ મોહનભાઈ ભંડેરી તથા તેના પુત્ર સિદ્ધાર્થ રાજુ ભંડેરી ઉપરાંત સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પ્રમુખ પાર્ક સોસાયટી મકાન નં. 110માં રહેતા અંકિત મુકેશભાઈ અજુડિયા અને સુરતના કામરેજ શિવ વાટીકા સોસાયટી 558 વિભાગ બીમાં રહેતા જતીન દેવેન્દ્ર કોઠારીનું નામ આપ્યું છે.
ફરિયાદમાં દેવેનભાઈએ જણાવ્યું કે, તેમના મિત્રભાવિનભાઈ રમણીકભાઈ સાંગાણી સાથે એક વર્ષથી મિત્રતા હોય એક વર્ષ પહેલા તે મિત્ર ભાવિનભાઈના ઘરે ગયા ત્યારે તેમની ઓળખાણ રાજુ ભંડેરી સાથે થઈ હતી. અને તેના પુત્ર સિધ્ધાર્થ રાજુ ભંડેરી સાથે મુલાકાત થયા બાદ દિલિપભાઈને મિત્ર અંકિત મુકેશ અજુડિયા અને બન્ને ભાગીદારોએ કે જેઓ ક્રિપ્ટો કરન્સીનું કામ કરતા હોય તેમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળસે તેમ જણાવ્યું હતું. પરંતુ દિલિપભાઈએ તેમની પાસે હાલ રૂપિયા નથી. અને મિત્રો પાસેથી રૂપિયા લઈ રોકાણ કરીશ તેમ વાત કરી સુરતથી રાજકોટ આવી ગયા હતા. ત્યાર બાદ રાજુ ભંડેરીએ ફરી ક્રિફ્ટોમાં રોકાણ કરવાની વાત કરતા તેના પુત્ર સિધ્ધાર્થ ભંડેરીના સાથે વાતચીત કર્યા બાદ તેના કહેવા મુજબ ભવદીપ નાથાણીના નામે 10લાખનું આંગડિયુ કર્યુ હતું. અને ત્યારે પિતા-પુત્રએ ત્રણ-ચાર કલાકમાં જ વળતર સાથે રૂપિયા આપી દીધા હતાં.
બાદમાં રાજુ ભંડેરી દુબઈ ગયો હોય અને ત્યાંથી દેવેનભાઈને ફોન કરી તમે મોટુ પેમેન્ટ કરો તો મારો ખર્ચો અહીથી નિકળી જાય અને તમારો પાસપોર્ટ મને મોકલાવો તેમ કહીને દુબઈ સાથે મળીને ધંધો કરશુ તેવી વાત કરી હતી. પરંતુ દેવેનભાઈએ હાલ દુબઈ જવું નથી. અને બાદમાં હું વીચારીને જવાબ આપીશ તેમ જણાવ્યું હતું. રાજુ ભંડેરી અવાર નવાર રૂપિયાનું રોકાણ કરવા માટે ફોન કરતો હોય જેથી ગત તા. 28-12-23ના રોજ મિત્ર ભાવિનભાઈ રમણીકભાઈ સાંગાણી પાસેથી 50 લાખ અને બચત કરેલા પાંચ લાખ એમ કુલ 55 લાખ જતીન દેવેન્દ્ર કોઠારીના નામે આંગડિયુ કર્યુ હતું. જે રકમ જતિન દેવેન્દ્ર કોઠારીએ સુરતથી સ્વીકારી હતી. બાદમોં વળતર માટેની રકમ આવશે તેવી રાહ જોયા છતાં રકમ પરત આવી ન હતી અને રાજુ ભંડેરીને ફોન કરતા દુબઈમાં કરન્સી ગણતા હોય તેવો વીડિયો અને ફોટો વોટ્સએપમાં મોકલી બીજા દિવસે રકમ મળી જશે તેમ કહ્યા બાદ તેના પુત્ર સિધ્ધાર્થનો સંપર્ક કરતા પિતાજી રાજુભાઈ દુબઈથી પરત આવે એટલે રકમ મળી જશે તેમ વાત કરી ગલ્લાતલ્લા શરૂ કર્યા હતાં.
રાજુ ભંડેરી દુબઈથી પરત આવ્યા બાદ તા. 6-1-24ના રોજ દેવેનભાઈ સુરત ગયા હતા. જ્યાં રાજુ તથા તેના પુત્ર સિધ્ધાર્થ સાથે મુલાકાત કરતા ભાગીદાર અંકિત મુકેશ અજુડિયાએ છેતરપીડીં કરી હોવાનું જણાવ્યું હતું. આમ રાજુ ભંડેરી, તેના પુત્ર સિધ્ધાર્થ તથા તેના ભાગીદાર અંકિત અજુડિયા અને 55 લાખની રકમ સ્વિકારનાર જતીન કોઠારીએ છેતરપીંડી કરી હોવાનું જાણવા મળતા અંતે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.