રાજ્યના 52 પોલીસ અધિકારીઓ અને કર્મીઓને આઉટ ઓફ ટર્ન અપાશે પ્રમોશન

ગુજરાત પોલીસ વિભાગમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી અને તેના માટે ખાસ એનડીપીએસ વિભાગ કાર્યરત કરવમાં આવ્યો છે. ત્યારે…

ગુજરાત પોલીસ વિભાગમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી અને તેના માટે ખાસ એનડીપીએસ વિભાગ કાર્યરત કરવમાં આવ્યો છે. ત્યારે નશીલા પદાર્થોની હેરાફેરીના કેસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મોટા અને પ્રોત્સાહક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અલગ અલગ સ્થળે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ થી લઇ પી.આઈ કક્ષાના આવા બહાદુર અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુલ 52 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ’આઉટ ઓફ ટર્ન’ (સમય પહેલા અથવા ક્રમ બહાર) પ્રમોશન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) દ્વારા બહાર પાડવામાં આવેલા એક તાત્કાલિક સરકારી પત્ર અનુસાર, આ યાદીમાં સામેલ તમામ 52 પોલીસકર્મીઓ સામે હાલમાં કોઈ ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજીલન્સ તપાસ કે શિક્ષાની અમલવારી ચાલુ અથવા બાકી છે કે કેમ, તે અંગેનો વિગતવાર રિપોર્ટ આધાર-પુરાવા સાથે મંગાવવામાં આવ્યો છે. આ તમામ મહત્વપૂર્ણ વિગતો તાત્કાલિક ધોરણે 22 જૂન 2026 સુધીમાં ડીજીપી ઓફિસના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર મોકલી આપવા માટે સંબંધિત પોલીસ કમિશ્નરો, એડીશનલ ડીજીપી અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના આપવામાં આવી છે.

નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નેટવર્કને તોડવામાં સિંહફાળો આપનારી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અમદાવાદની કામગીરીની આ યાદીમાં સ્પષ્ટ છાપ જોવા મળી રહી છે. પ્રમોશન માટે વિચારણા હેઠળ લેવાયેલા કુલ 52 અધિકારીઓ અને કર્મચારીઓમાંથી અડધા જેટલા એટલે કે 25 જેટલા અધિકારીઓ એકલા એટીએસ અમદાવાદના છે. જેમાં પી.આઈ. જે.એન.ચાવડા, જે.એમ.પટેલ, બી.એહ.કોરોટ, વી.એન.વાઘેલા, વાય.જી.ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓથી લઈને પીએસઆઈ તેમજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે.

આ વિશિષ્ટ યાદીમાં માત્ર એટીએસ જ નહીં, પરંતુ સી.આઈ.ડી. ક્રાઈમ, લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર તેમજ મહિસાગર, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગીર સોમનાથ, વડોદરા ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય અને ભરૂૂચ જેવા જિલ્લાઓમાં ફરજ બજાવતા કે અગાઉ ત્યાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પી.આઈ, પીએસઆઈ, એએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલો અને પોલીસ કોન્સ્ટેબલોના નામો સામેલ છે. સરકારના આ સરાહનીય પગલાથી પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા મથતા પોલીસ બેડામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સત્તાવાર રીતે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આ તમામ લાયક અધિકારીઓ-કર્મચારીઓની આઉટ ઓફ ટર્ન બઢતીના આદેશો જાહેર કરવામાં આવશે.