Site icon Gujarat Mirror

બોર્ડની પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થીના અકસ્માતમાં મોત

બનાસકાંઠામાં બાઇક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 2 અને તાપીમાં બે બાઇક સામ-સામે અથડાતા 3 પરીક્ષાર્થીઓ ભોગ બન્યા

ગુજરાતમાં બુધવારે બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. જેમાં કુલ પાંચ બોર્ડના વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. બુધવારે પાંથાવાડા નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બે વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓ બાઈક પર ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. આ વિદ્યાર્થીઓના કરુણ મોત થતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ તાપીમાં પણ બોર્ડની પરીક્ષા આપીને આવતા વિદ્યાર્થીઓનો કરૂૂણ અકસ્માત થયો છે. જેમાં ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે બાઈક સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાતસણ અને ગુંદરી ગામના આશાસ્પદ વિદ્યાર્થીઓના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

અન્ય અકસ્માતમાં તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર એક અકસ્માત સર્જાયો છે. અહીં બે બાઈક સામસામે અથડતાં ત્રણ વિદ્યાર્થીના કરૂૂણ મોત નીપજ્યા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર બુધવારે નિઝર સીમમાં બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ખતરનાક હતી કે, અકસ્માત બાદ બાઈકમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં ત્રણ કિશોરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતક યુવકો કુકરમુંડા તાલુકાના ગંગથા અને બોરીકુવા ગામના રહેવાસી છે. અકસ્માતના બનાવને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે જાણ થતાં નિઝર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version