Site icon Gujarat Mirror

TAT પરીક્ષાના પાસિંગ માર્કસમાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે 5 ટકાનો ઘટાડો

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા TATને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા… લાંબા સમયથી ચાલી રહેલી વિદ્યાર્થીઓની રજૂઆતો અને ઉગ્ર માંગણી બાદ, હવે SC, ST, OBC, EWS અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ માર્કસમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ગુજરાત શિક્ષણ વિભાગના નિયમ મુજબ, TAT પરીક્ષામાં તમામ ઉમેદવારો માટે પાસિંગ માર્કસ 60 ટકા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, નવા ઠરાવ મુજબ હવે અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ મર્યાદા ઘટાડીને 55 ટકા કરી દેવામાં આવી છે. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 60 ટકાનો નિયમ યથાવત રહેશે.

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકો માટે લેવાતી TET પરીક્ષામાં અનામત કેટેગરી માટે 55 ટકા અને જનરલ માટે 60 ટકા પાસિંગ માર્કસનો નિયમ પહેલેથી જ અમલમાં હતો. પરંતુ માધ્યમિક (TAT-S) અને ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) માં તમામ માટે એકસમાન 60 ટકા માર્કસની જોગવાઈ હતી. આ વિસંગતતા દૂર કરવા માટે SC, ST, OBC અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ સરકારમાં ઉગ્ર રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની દલીલ હતી કે જો પ્રાથમિકમાં રાહત મળતી હોય, તો હાઈસ્કૂલની પરીક્ષામાં પણ સમાન ધોરણ લાગુ થવું જોઈએ.

નોંધનીય છે કે, આ ફેરફાર TAT-માધ્યમિક (ધોરણ 9-10) અને TAT-ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 11-12) બંને માટે લાગુ પડશે. વર્ષ 2023થી TAT પરીક્ષામાં દ્વિસ્તરીય પદ્ધતિ (પ્રિલિમિનરી અને મેઇન્સ) અમલમાં મૂકવામાં આવી છે, જેમાં હવે આ નવા પાસિંગ ધોરણો લાગુ થશે. આ નિર્ણયથી રાજ્યના લાખો SC, ST, OBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને શિક્ષક બનવાની તકમાં ફાયદો થશે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે, જેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આવકાર્યો છે.

Exit mobile version