ઉના દલિતકાંડના 5 આરોપીઓને 5-5 વર્ષની સજા

રૂા.પાંચ પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો, 37 આરોપીઓ નિર્દોષ જાહેર ગુજરાતના ઈતિહાસમાં દલિત અત્યાચારની સૌથી મોટી અને આખા દેશને હચમચાવી દેનારી ઘટના ’ઉના કાંડ’માં આખરે…

રૂા.પાંચ પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો, 37 આરોપીઓ નિર્દોષ જાહેર

ગુજરાતના ઈતિહાસમાં દલિત અત્યાચારની સૌથી મોટી અને આખા દેશને હચમચાવી દેનારી ઘટના ’ઉના કાંડ’માં આખરે ન્યાયિક ચુકાદો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સેશન્સ કોર્ટે આશરે દસ વર્ષના લાંબા અંતરાલ બાદ આ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સેશન્સ જજ પંડ્યા દ્વારા આશરે 350 પાનાનો ઐતિહાસિક ચુકાદો આપતા પાંચ મુખ્ય આરોપીઓને દોષિત ઠેરવી તમામને પાંચ-પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો છે. જ્યારે ગઈકાલે 37 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા.
પાંચ વર્ષ સજા સંભળાવવામાં આવી તેમાં મુખ્ય પાંચ આરોપીઓમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓને એટ્રોસિટી એક્ટ સહિત ઈંઙઈની વિવિધ કલમો હેઠળ સજા ફટકારવામાં આવી છે. કોર્ટે દોષિતોને અલગ-અલગ કલમો હેઠળ સજા ફટકારી છે. જેમાં એટ્રોસિટી એક્ટ (મુખ્ય કલમ) હેઠળ પાંચ વર્ષની સખત કેદ, આઇપીસી કલમ 323/24 (માર મારવો) હેઠળ ત્રણ વર્ષની સજા, આઇપીસી કલમ 504 (અપશબ્દો બોલવા) હેઠળ બે વર્ષની સજા, આઇપીસી કલમ 342 (ગેરકાયદે અટકાયત) હેઠળ એક વર્ષની સજા તેમજ તમામ આરોપીને રૂૂ.5,000-5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

અદાલતના આદેશ મુજબ આ તમામ સજાઓ એકીસાથે ભોગવવાની રહેશે, એટલે કે મહત્તમ પાંચ વર્ષની કેદ ભોગવવી પડશે. જોકે, આ કેસમાં એક મહત્વનો વળાંક એ આવ્યો છે કે આ આરોપીઓ અગાઉ જ અન્ડર-ટ્રાયલ કેદી તરીકે છ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. કાયદા મુજબ, તેઓએ કોર્ટે આપેલી પાંચ વર્ષની સજા કરતા વધુ સમય જેલમાં પસાર કરી લીધો હોવાથી, હવે તેઓની જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે. ગઈકાલે આ કેસમાં ધરપકડ કરાયેલા કુલ 42 આરોપીઓમાંથી 37ને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં તત્કાલીન ફરજ પરના ચાર પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. નિર્દોષ જાહેર થયેલા પોલીસ અધિકારીઓમાં કંચન બહેન, તત્કાલીન પીએસઆઇ પાંડે, પીએસઓ કરશન ભાઈ અને નિર્મલ ઝાલા (જેમનું અવસાન થયું છે)નો સમાવેશ થાય છે.

11 જુલાઈ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામે દલિત સમાજના યુવાનો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. તે સમયે ગૌરક્ષકોના નામે આવેલા ટોળાએ ’ગાયોને કેમ કાપો છો’ તેમ કહી યુવાનોને ગાડી સાથે બાંધી, જાહેરમાં અર્ધનગ્ન કરી લાકડીઓ અને લોખંડના પાઈપોથી બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા અને કરોડોની મિલકતોને નુકસાન થયું હતું.

આ ઘટનામાં પાંચ આરોપી પૈકી નાગજીભાઈ ડાયાભાઈ નામના દોષીતે ચાર વર્ષ અને બે મહિનાનો જેલવાસ ભોગવેલો છે તેને પાંચ વર્ષમાં બાકી રહેતો સમય જેલવાસ થઈ શખે છે. જ્યારે અન્ય ચાર આરોપીઓએ છ વર્ષથી વધુ સમયનો જેલવાસ ભોગવ્યો હોય આરોપીઓને સજા મજરે આપવાની વકીલની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા બાકીના ચાર આરોપીના જેલમુક્ત થવાનો માર્ગ મોકળો થયો છે.