CBSE ધો.10ના 5.25 લાખ વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026 માટે ધોરણ-10ની દ્વિતીય બોર્ડ પરીક્ષાના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 15 મેથી પરીક્ષા શરૂૂ થવાની છે.…

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026 માટે ધોરણ-10ની દ્વિતીય બોર્ડ પરીક્ષાના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 15 મેથી પરીક્ષા શરૂૂ થવાની છે. પ્રથમવાર લેવાનારી આ પરીક્ષા માટે સમગ્ર દેશમાંથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. પ્રથમ વખત લેવાનારી આ પરીક્ષા માટે 5.25 લાખ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માટે ઉપસ્થિત રહેશે. જ્યારે કમ્પાર્ટમેન્ટ સાથે કુલ 6.68 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, CBSE દ્વારા ગયા વર્ષે જાહેર કરાયેલી ’ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ના ભાગરૂૂપે આ વખતે પ્રથમ વખત બીજી પરીક્ષા લેવામાં આવનાર છે. આ નીતિ મુજબ વિદ્યાર્થીઓને એક જ શૈક્ષણિક વર્ષમાં બે વખત પરીક્ષા આપવાની તક મળશે, જેથી તેઓ પોતાનું પરિણામ સુધારી શકે. બોર્ડે તાજેતરમાં ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં દેશભરમાંથી 24.71 લાખ વિદ્યાર્થીઓમાંથી 23.19 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 1.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા હતા. ગુજરાતમાં 45107 વિદ્યાર્થીઓમાંથી 43579 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

બોર્ડનું પરિણામ જાહેર થયાના બીજા જ દિવસથી દ્વિતીય પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી, જાહેર કાર્યક્રમ મુજબ પરીક્ષાઓ 15 મેથી શરૂૂ થઈ 21 મે સુધી ચાલશે. પ્રથમ દિવસે ગણિત (સ્ટાન્ડર્ડ અને બેઝિક)ની પરીક્ષા લેવાશે. ત્યારબાદ 16 મેના રોજ અંગ્રેજી, 18 મેના રોજ વિજ્ઞાન, 19 મેના રોજ ગુજરાતી, હિન્દી સહિતની ભાષાઓ, 20 મેના રોજ સંસ્કૃત, એઆઈ અને આઈટી અને અંતે 21 મેના રોજ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષાઓ સવારે 10-30 થી બપોરે 1-30 વાગ્યા સુધી રહેશે.

આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ ત્રણ વિષયોમાં પોતાનું પરિણામ સુધારવાની તક આપવામાં આવી છે. સાથે જ 2025માં ’કમ્પાર્ટમેન્ટ’ કેટેગરીમાં આવેલા વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેઓને પોતાના શૈક્ષણિક વર્ષને બચાવવાની તક મળશે. આ ઉપરાંત, ગણિત વિષયમાં ’સ્ટાન્ડર્ડ’ અને ’બેઝિક’ વચ્ચે વિકલ્પ બદલવાની છૂટછાટ પણ આપવામાં આવી છે. આમ, આ પરીક્ષા માટે કુલ 668854 વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે.

પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી પરિણામ સુધારણા માટે 525655 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે કમ્પાર્ટમેન્ટ હોય તેવા 85285 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે 57914 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને કમ્પાર્ટમેન્ટ છે અને તેઓ પરિણામ સુધારવા માટે પણ પરીક્ષા આપનાર છે. કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 402643 વિદ્યાર્થીઓ છે અને 266209 વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપનાર હોવાનું જાણવા મળે છે. આ પરીક્ષામાં મહત્તમ 3 વિષયમાં પરિણામ સુધારણાની તક મળતી હોય છે. જેથી 1 વિષયમાં સુધારણા માટે 192508 વિદ્યાર્થી, 2 વિષયમાં સુધારણા માટે 279227 અને 3 વિષયમાં સુધારણા માટે 197119 વિદ્યાર્થી નોંધાયા છે. સૌથી વધુ સાયન્સમાં 474491 વિદ્યાર્થીઓ છે. જ્યારે ગણિત સ્ટાન્ડર્ડમાં પણ 368843 વિદ્યાર્થી નોંધાયા છે. આ ઉપરાંત, સામાજિક વિજ્ઞાનમાં 154619, ગણિત બેઝિકમાં 178878 અને અંગ્રેજીમાં 98536 વિદ્યાર્થી નોંધાયા છે.