રાષ્ટ્રીય
દિલ્હીની 40 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇ
રાજધાની દિલ્હીની 40 જાણીતી શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી છે. તેમાં આરકે પુરમ, પશ્ચિમ વિહાર અને મયુર વિહાર ફેઝ-1માં આવેલી શાળાઓનો સમાવેશ થાય છે. શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની આ ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ, શાળા પ્રશાસને સાવચેતીના પગલા તરીકે બાળકોને તાત્કાલિક તેમના ઘરે પાછા મોકલી દીધા અને આ બાબતની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જે સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે તેમાં આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલ, જીડી ગોએન્કા, મધર મેરી બ્રિટિશ સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલ અને કેમ્બ્રિજ સ્કૂલ સહિત 40 સ્કૂલોનો સમાવેશ થાય છે. શાળાના અધિકારીઓએ ધમકીભર્યા ઈ-મેઈલ જોતાની સાથે જ વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે પરત મોકલી દીધા હતા. તમામ શાળાઓની બહાર પોલીસ બંદોબસ્ત છે.
આ પહેલીવાર નથી જ્યારે દિલ્હીની કોઈ શાળામાં બોમ્બની ધમકી મળી હોય. આ વર્ષની શરૂઆતમાં પણ અનેક વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ, 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ, ડીપીએસ આરકેપુરમના પ્રિન્સિપાલને શાળામાં બોમ્બ વિશે મેલની ધમકી આપવામાં આવી હતી. આ પછી મે મહિનામાં પણ ઘણી શાળાઓને ફરી એકવાર બોમ્બની ધમકી મળી હતી અને દિલ્હી પોલીસ કમિશનરના મેઇલ આઈડી પર ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો.