રાજકોટના કાથરોટા ગામે ખેત મજુરી કરતા શ્રમિક પરિવારનો ચાર વર્ષનો માસુમ બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયો હતો. માસુમ બાળકનું ડૂબી જવાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના કાથરોટા ગામે ભાયાસર રોડ પર આવેલ વાડી વિસ્તારમાં ખેતી કામ કરતા શ્રમિક પરિવારનો આકાશ કૈલાશભાઈ વસુમિયાના નામનો ચાર વર્ષનો માસુમ બાળક સવારના આઠેક વાગ્યાના અરસામાં રમતા રમતા અકસ્માતે પાણીની કુંડીમાં પડી ગયો હતો.
માસુમ બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે. મૃતક બાળક બે ભાઈમાં મોટો હતો અને રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા પરિવારની રાબિયાબેન આસિફભાઇ ભટ્ટી નામની આઠ વર્ષની બાળકી પોતાના ઘરે હતી ત્યારે મગજની આચકીની બીમારીના કારણે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં માસુમ બાળકીનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકી એક ભાઈ બે બહેનમાં વચેટ હતી અને નાનપણથી જ મગજની આચકીની બીમારીમાં સપડાઈ હતી. મગજની આચકીથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
