બગસરાના વાઘણિયાના ખેડૂતની જમીન વેચવાનું કાવતરૂ રચનાર મહિલા વકીલ સહિત 4 ઝડપાયા

ગોંડલના મોવિયાની જમીનનો દસ્તાવેજ કરવા નકલી ખેડૂત બનેલા અન્ય 4ની શોધખોળ બાબરા તાલુકાના પાનસડા ગામના એક વૃદ્ધ ખેડૂતની ગોંડલના મોવિયા ગામે આવેલી જમીનના ખોટા વ્યક્તિઓ…

ગોંડલના મોવિયાની જમીનનો દસ્તાવેજ કરવા નકલી ખેડૂત બનેલા અન્ય 4ની શોધખોળ

બાબરા તાલુકાના પાનસડા ગામના એક વૃદ્ધ ખેડૂતની ગોંડલના મોવિયા ગામે આવેલી જમીનના ખોટા વ્યક્તિઓ ઊભા કરી સાથે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી લેવાનું મોટું કૌભાંડમાં ગોંડલ તાલુકા પોલીસે મુખ્ય સૂત્રધાર અને મહિલા વકીલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મોવીયા ગામની ખેતીની જમીન મૂળ માલિકોની જાણ બહાર બોગસ આઈડી કાર્ડ અને ખોટા દસ્તાવેજોના આધારે વેચી દઈ લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે હજુ રાજકોટના શખ્સ સહીત 4 ફરાર હોય તેની શોધખોળ શરૂૂ કરી છે.

પાનસડા ગામના રહેવાસી જીતેન્દ્રભાઇ ભાયલાલ મહેતા (ઉ.વ. 66)એ ખેતીકામ કરે છે. તેઓને કાન્તીભાઇ નંદલાલ પાઠક અને મધુબેન કાન્તીભાઇ પાઠક (રહે. નવા વાઘણીયા, તા. બગસરા) એ મોવીયા ગામે આવેલી તેમની ખેતીની જમીન (સર્વે નંબર 100/1/પૈ.3, ક્ષેત્રફળ 1-86-16 હે.આરે.ચોમી) નો તમામ વહીવટ કરવા માટે કાયદેસરનું ’કુલ મુખત્યારનામું’ કરી આપ્યું હતું. આ જમીન હડપવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. ફરિયાદી કે મૂળ માલિકોની જાણ બહાર, આરોપીઓએ કાન્તીભાઇ અને મધુબેનના નામના ખોટા વ્યક્તિઓ ઊભા કર્યા હતા. કાવતરાના ભાગરૂૂપે ટોળકીએ મૂળ માલિકોના ખોટા નામ ધારણ કર્યા હતા. તેઓએ બોગસ ચૂંટણી કાર્ડ મેળવી લીધા હતા અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં અસલ માલિક તરીકે રજૂ થયા હતા. આ સમયે આરોપી ભાવનાબેન કે. ચાવડા, તુષાર નરોત્તમદાસ દુદાણી, વિપુલગીરી ગણેશગીરી ગોસ્વામી અને ઉત્તમસિંહ અભેસીંગ રાઠોડે સાક્ષી તરીકે સહીઓ કરી હતી.

તેઓએ રજિસ્ટ્રાર રૂૂબરૂૂ એવી ખોટી ઓળખ આપી હતી કે આ અજાણ્યા વ્યક્તિઓ જ અસલ કાન્તીભાઇ અને મધુબેન છે. આ રીતે ખોટી સહીઓ કરી, કિંમતી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ નકલી દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી ઉત્તમસિંહ રાઠોડે અન્ય સાગરીતો સાથે મળીને મૂળ માલિકોના નામના બોગસ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હતા. આ ખોટા પુરાવાઓના આધારે ગોંડલની એક કો-ઓપરેટિવ બેંકમાં ખાતું પણ ખોલાવવામાં આવ્યું હતું.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગોંડલ પોલીસે ઉત્તમસિંહ રાઠોડ જે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર, જેણે બોગસ ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા. હતા તે ઉપરાંત ભાવનાબેન ચાવડા (વકીલ) જે ડમી વ્યક્તિઓની વ્યવસ્થા કરી અને પ્રથમ વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવ્યો. વિપુલગીરી ગોસ્વામી જેણે લેપટોપમાં એડિટિંગ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી આપ્યા અને સાક્ષી તરીકે સહીઓ કરી તેમજ તુષાર દુદાણી જેણે દસ્તાવેજોમાં સાક્ષી તરીકે રહી ડમી વ્યક્તિઓની ઓળખ આપી તેની ધરપકડ કરી હતી. આ ટોળકીએ જમીન ખરીદનારાઓ પાસેથી આશરે રૂૂ. 79,00,000 જેટલી માતબર રકમ મેળવી હતી. જેમાં ડમી તરીકે ઉભેલાને દસ્તાવેજ દીઠ રૂૂ. 1,25,000 આપવામાં આવ્યા હતા.

આ કૌભાંડમાં હજુ દિનેશભાઇ કનૈયાલાલ નિમાવત (રહે.ધોરાજી કૈલાશનગર, પાવર હાઉસ પાસે), ગીતાબેન દીપકભાઇ કાપડી (રહે.ગોંડલ કુંભારવાડા તા.ગોંડલ), નિશાંત રામભાઇ ભેટારીયા (રહે. ઉપલેટા હાલ રહે. રાજકોટ ગુરૂૂપ્રસાદ ચોક રાધે એપાર્ટમેન્ટ)અને ગોવિંદરામ દોલતરામ કાપડી (રહે.ગોંડલ કુંભારવાડા, ભૈરવ આશ્રમ ખાતે)ના નામ ખુલ્યા છે જેની શોધખોળ શરૂૂ કરી છે. પકડાયેલ મહિલા આરોપી ભાવનાબેન ચાવડા અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે, જેમાં મહારાષ્ટ્રમાં નોંધાયેલ પોક્સો (ઙઘઈજઘ) અને બળાત્કારના ગુના સહિત છેતરપિંડીના કેસોનો સમાવેશ થાય છે.

રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સુચના થી પ્રો.આઈપીએસ પ્રખર કુમાર અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે.