Site icon Gujarat Mirror

વેરાવળમાં મચ્છીનું ગેરકાયદે વહન કરતા 4 છકડા ડીટેઇન

 

વેરાવળ બંદર રોડ પર ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસ ઓ જી એ આ ડ્રાઇવ દરમિયાન ચાર છકડા રીક્ષા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બંદર રોડ અને સોમનાથ રોડ પર મચ્છી ભરેલા વાહનોમાંથી પાણી અને કચરો રસ્તા પર ઢોળાતો હતો. આના કારણે માર્ગ ચીકણો બની જતો હતો, જેના પરિણામે દૈનિક ધોરણે નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા અને રાહદારીઓ ઇજાગ્રસ્ત થતા હતા. આ સમસ્યા સ્થાનિક નાગરિકો માટે ચિંતાનો વિષય બની હતી.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી ટીમે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. રીનાબેન સુવા સહિતના સ્ટાફે બંદર રોડ પર આકસ્મિક ચેકિંગ કરીને ગેરકાયદેસર પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન સુત્રાપાડા પ્રાચી વિસ્તારના સાગર નારણ રાજગોર, વેરાવળ ભીડીયા વિસ્તારના પ્રવીણ છગનભાઈ દરી, ગોવિંદપરા ગામના તોસિફ અબ્દુલ મુગલ અને ખારવા વાડ વિસ્તારના શૈલેષ ઈશ્વર પરમાર ને તેમની રીક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version