આજે ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધનો ચોથો દિવસ છે. આ દરમિયાન ઈરાનમાં આજે જોરદાર ભૂકંપના આચંકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર દક્ષિણ ઇરાનના ગેરાશ ક્ષેત્રમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર લગભગ 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. કેટલાક અહેવાલો અનુસાર, આ ભૂકંપની તીવ્રતા 4.5 હતી, પરંતુ સત્તાવાર યુએસજીએસ ડેટા 4.3 છે. કેટલાક લોકોના મનમાં એવી પણ શંકા છે કે ક્યાંક આ ન્યુક્લિયર ટેસ્ટ તો નથી.
ફાર્સ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં યુદ્ધને કારણે લોકો પહેલાથી જ તણાવમાં હતા. વિસ્ફોટો અને બોમ્બ ધડાકા સાથે આવેલા ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો તેમના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા, અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યા હતા. અત્યાર સુધી, મોટા નુકસાન, મૃત્યુ અથવા ઇજાના કોઈ અહેવાલ નથી. યુએસજીએસએ જણાવ્યું હતું કે આ વિસ્તાર પહેલેથી જ ભૂકંપની રીતે સક્રિય ક્ષેત્ર છે, તેથી આ કુદરતી ટેક્ટોનિક પ્રવૃત્તિ હોવાનું જણાય છે.
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ રહી છે કે આ ઈરાની પરમાણુ પરીક્ષણ હોઈ શકે છે, કારણ કે યુદ્ધ દરમિયાન ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો થઈ રહ્યો છે. જોકે, નિષ્ણાતો અને USGS એ સ્પષ્ટતા કરી છે કે 4.3 ની તીવ્રતાનો ભૂકંપ પરમાણુ પરીક્ષણનો લાક્ષણિકતા નથી. પરીક્ષણોમાં સામાન્ય રીતે વધુ તીવ્રતા અને અલગ પેટર્ન હોય છે. આ વિસ્તાર ઈરાનમાં ભૂકંપ માટે જાણીતો છે, જ્યાં વાર્ષિક ધોરણે અનેક નાના આંચકા આવે છે.

