Site icon Gujarat Mirror

શહેરમાં 241 કરોડના ખર્ચે બનેલા ગેરંટી વાળા 383 રોડ તૂટયા

શહેરમાં નવા બનેલા અને ઈસ્ટઝોનના વિસ્તારોમાં સૌથી વધુ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા

ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યભરમાં રોડ રસ્તા તૂટી જવાની કાગારોળ મચી ગઈ હતી જેમાં રાજકોટમાં મોટાભાગના રોડ રસ્તાઓ ધોવાઈ જતાં આ મુદ્દે ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી હતી. જેના લીધે મુખ્યમંત્રીએ ત્વરીત કામગીરીના આદેશ આપતાં રાજકોટ શહેરનાં કોન્ટ્રાકટરો અને ઝોનલ કોન્ટ્રાકટરો દ્વારા તૈયાર કરવામાં આવેલ પાંચ વર્ષની ગેરંટીવાળા કેટલા રોડ તુટી ગયા ? તેવો પ્રશ્ર્ન સમીક્ષા બેઠકમાં અને જનરલ બોર્ડમાં ઉઠતાં સિટી ઈજનેર દ્વારા અપાયેલ જવાબમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 241.08 કરોડના 383 રોડ ગેરંટીવાળા તુટી ગયા હોવાનું જણાવ્યું છે અને આ તમામ રોડ એજન્સી પોતાના ખર્ચે બનાવશે તેમ કહેલ છતાં ગેરંટી વાળા રોડ વધુ ઉંચા ભાવથી આપવામાં આવે છે. છતાં તુટી કેમ જાય છે ? તેવા પ્રશ્ર્નો ફરી વખત ઉઠયા છે.

રાજકોટ શહેરમાં રાજમાર્ગો સહિતના મુખ્ય રોડ ગેરંટીવાળા બનાવવામાં આવી રહ્યાં છે. કોન્ટ્રાકટર દ્વારા આ રોડની પાંચ વર્ષની ગેરંટી આપવામાં આવે છે. સામાન્ય રોડ અને ગેરંટી વાળા રોડના કોન્ટ્રાકટના ભાવમાં મોટો ફરક હોય છે જેના લીધે ગેરંટીવાળા રોડમાં સારૂ મટીરીયલ વાપરવામાં આવે છે.

છતાં આ રોડ ગેરંટી પુરી થાય તે પહેલા તુટી જતાં હોવાનું દર વર્ષે જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે શહેરના મોટાભાગનાં રોડ રસ્તાઓ તુટી જતાં આ મુદ્દે સમીક્ષા બેઠકોમાં પણ અનેક વખત ચર્ચા કરવામાં આવી છે અને ઉંચા ભાવથી કામ આપવામાં આવતું હોવા છતાં પાંચ વર્ષની ગેરંટી વાળા રોડ ફકત બે વર્ષમાં જ શા માટે તુટી જાય છે ? તેવું પણ પુછવામાં આવેલ. તેવી જરીતે જનરલ બોર્ડમાં કોર્પોરેટર દ્વારા પ્રશ્ર્ન પુછવામાં આવેલ કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રોડ રસ્તા પાછળ કેટલો ખર્ચ થયો ? તેમજ ઝોનલ કોન્ટ્રાકટર પાછમનો ખર્ચ અને ગેરંટીવાળા કેટલા રોડ બનાવ્યા ? તેમજ ગેરંટીવાળા રોડ પર કેટલા ખાડા પડયા ? અને કેટલા કોન્ટ્રાકટરે પોતાના ખર્ચે કેટલા ખાડા પુર્યા ? તેના જવાબમાં તંત્રએ ત્રણ વર્ષમાં ગેરંટીવાળા 383 રસ્તાઓ તુટી ગયા હોવાનું જણાવ્યું છે. તેમજ તેના માટે વેસ્ટ ઝોનમાં 71.73 કરોડ, સેન્ટ્રલ ઝોનમાં 63.38 કરોડ અને ઈસ્ટ ઝોનમાં 102.17 કરોડ સહિત કુલ રૂા.241.08 કરોડના ખર્ચે પાંચ વર્ષની ગેરંટી વાળા રોડ બનાવવામાં આવ્યા હતાં. જે પૈકી અનેક રોડ તુટી જતાં એજન્સીના ખર્ચે રીસ્ટોરેશનની કામગીરી પૂર્વ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવેલ છે.

મહાનગરપાલિકા દ્વારા ગેરંટીવાળા રોડ પાછળ કરોડોનું આંધણ કરવા છતાં દર વર્ષે રોડ તુટી જવાનો ત્રણ વર્ષનો હિસાબ તંત્ર દ્વારા રજુ કરવામાં આવ્યો છે ત્યારે ગેરંટીવાળા રોડ માટે કોન્ટ્રાકટરોને વધુ પૈસા ફાળવવામાં આવી રહ્યાં છે તો શહેરના તમામ રોડ રસ્તાઓને શા માટે ગેરંટી પિરીયડમાં બનાવવામાં ન આવે તેવી ચર્ચા જાગી છે અને સાથોસાથ ગેરંટીવાળા રોડ સારા બની રહ્યાં હોય તો બાકીના રોડ રસ્તામાં લોટ પાણીને લાકડા થઈ રહ્યાનું તંત્ર ખુદ જાણે છે છતાં આજ સુધી આ મુદ્દે કેમ કાર્યવાહી થઈ નથી ? તેવી પણ ચર્ચાએ જોર પકડયું છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પડેલા ખાડાઓ

રાજકોટ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તા ધોવાઈ જવાની ઘટના વર્ષો જુની છે જેમાં ચાલુ વર્ષે સૌથી વધુ ખાડાઓ પડવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેનું મુખ્ય કારણ ડીઆઈ પાઈપલાઈનની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલ ચરેડા ઉપર સમયસર પેચવર્ક ન થવાનું જણાવવામાં આવ્યું છે અને સાથોસાથ છેલ્લા ત્રણ વર્ષમાં 2023માં 697 ખાડા, 2024માં 778 ખાડા અને ચાલુ વર્ષે 2025માં 400 ખાડા થતા તમામ ખાડાઓ ઉપર પેચવર્કની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

Exit mobile version