ગુજરાત
ડોક્ટર, ઇજનેર સહિત 37 નવયુવાન પાર્ષદોએ લીધી ભાગવતી દીક્ષા
બી.એ.પી.એસ. સંસ્થાના તીર્થધામ અક્ષર મંદિર, ગોંડલ ખાતે તા.23/10/2024ના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે 29 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. એ જ પરિપ્રેક્ષમાં સંસ્થાની સંત દિક્ષાની પ્રણાલી અનુસાર અગાઉ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી લઈને તીર્થધામ સાળંગપુર સ્થિત સંતતાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને યોગ્યતા પ્રાપ્ત કરી છે એવા 37 નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે તા.25/10/2024, શુક્રવારના રોજ સંત દિક્ષા અર્થાત ભાગવતી દિક્ષા પ્રદાન કરવામાં આવી હતી.
ભાગવતી દીક્ષા નિમિતે સવારે આઠ વાગ્યે મહાપૂજાવિધિ સંપન્ન થઇ હતી. જેમાં ભાગવતી દીક્ષા લેનારા પાર્ષદોના પૂર્વાશ્રમના એમનાં માતા-પિતા તથા પરિવારજનો પણ આ સમયે દીક્ષાદિનની સભામાં જોડાયા હતાં. આ દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. આજના પ્રસંગે વરિષ્ઠ સંતોએ પ્રસંગોચિત ઉદ્દબોધન પણ કર્યા હતા. આ સમારોહમાં ભાગવતી દીક્ષા લેવા જઈ રહેલ દીક્ષાર્થીઓને પૂજ્ય આનંદસ્વરૂૂપ સ્વામીએ કંઠી, વિવેકસાગર સ્વામીએ ઉપવ, ત્યાગવલ્લભ સ્વામીએ પાઘ, ભક્તિપ્રિય સ્વામી (કોઠારી સ્વામી) એ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી હતી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અક્ષર અહં પુરુષોત્તમ દાસોસ્મિથ અર્થાત્ કે,અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છુંથ એ દીક્ષામંત્ર આપ્યો હતો. પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીએ દીક્ષાર્થી વાલીને પ્રસાદીનું પુષ્પ આપ્યું હતું તથા પૂજ્ય ધર્મચરણ સ્વામીએ દીક્ષાર્થી વાલીને સ્મૃતિ ભેટ આપી હતી. આ પ્રસંગે દીક્ષા લેનાર દીક્ષાર્થીઓના માતા-પિતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેનારા યુવાનોમાં 1 ડોક્ટર, 1 પી.એચ.ડી, 4 માસ્ટર ડિગ્રી, 12 એન્જીનીયર, 18 અન્ય સ્નાતક ડિગ્રી તથા 1 અન્ય. આમ, વિવિધ શાખાઓમાં ઉચ્ચ કારકિર્દી ધરાવતા કુલ 37 પાર્ષદો આજે મહંતસ્વામી મહારાજની ભગવી સેનામાં જોડાયા છે. આજે સંતદીક્ષા લેનાર 37 દીક્ષાર્થીઓમાં 11 USA, 2 Canada, 2 UK, 3 Africa, 1 Australia – એમ 19 દીક્ષાર્થી પાર્ષદો પરદેશના છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, મહંતસ્વામી મહારાજ વરદ હસ્તે કુલ 322 સંતો દીક્ષિત થયા છે. અને બી.એ.પી.એસ. સંસ્થાની સંત પંક્તિમાં હાલ કુલ 1220 સંતો વિદ્યમાન થયા છે.
દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે વરિષ્ઠ મહિલાઓ દ્વારા દીક્ષાર્થી યુવાનોના માતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. દીક્ષા પ્રસંગે આશીર્વાદ આપતા મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું, દીક્ષાર્થી સાધુના માતા પિતાને ધન્યવાદ છે, ભણી ગણી તૈયાર થયા અને અહી સેવામાં આપી દીધા. સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મનને જીતવાનું છે. આ બધું સત્પુરુષ મળ્યા વગર પત્તો ન પડે. સત્પુરુષ હોય તો માર્ગ ચોખ્ખો મળે. આ પ્રાપ્તિ મોટી છે. મહારાજ સ્વામીએ સ્વીકાર્યા છે. આ પ્રાપ્તિ મોટી છે. સેવામાં આપણે મહારાજ સ્વામીને સાથે રાખવાના છે તો જીવન ધન્ય થઈ જાય. સાધુતા દ્રઢ કરવી અને સહન કરવું તે સાધુતા. આ પ્રસંગે સ્વામીને વરિષ્ઠ સંતોએ પુષ્પહારથી વધાવ્યા હતા.