ગંગા દશેરાએ બદાયૂં અને બરેલીમાં સ્નાન દરમિયાન 31 ડૂબ્યા, 7નાં મોત

પવિત્ર ગંગા દશેરાના પાવન પર્વ પર ઉત્તર પ્રદેશના બદાયૂં અને બરેલીમાં ભારે દુર્ઘટના સર્જાઈ હતી. ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરેલા 31 જેટલા શ્રદ્ધાળુઓ અચાનક ઊંડા…

પવિત્ર ગંગા દશેરાના પાવન પર્વ પર ઉત્તર પ્રદેશના બદાયૂં અને બરેલીમાં ભારે દુર્ઘટના સર્જાઈ હતી. ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરેલા 31 જેટલા શ્રદ્ધાળુઓ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ આઘાતજનક ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે એક કિશોરી હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ, હાથરસના કનૌ ગામના રહેવાસી ઓમવીર અને તેમનો પરિવાર કાચલા ઘાટ પાસે સ્નાન કરવા પહોંચ્યા હતા. મુખ્ય ઘાટથી દૂર એકાંત જગ્યાએ સ્નાન કરતી વખતે પરિવારના નિલેશ, વિકાસ, કૃષ્ણા, શાલિની, શિખા અને રોહિત સહિતના સભ્યો પાણીના વહેણમાં તણાયા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં હાજર સ્થાનિક હોડી ચલાવનારાઓ અને ડાઇવર્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક હોડીચાલકો સરવન, જાબીર, અનિલ, નાઝીર અને સદ્દામની સમયસૂચકતાને કારણે વિકાસ, કૃષ્ણા અને શાલિનીને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયા હતા. જોકે, સાંજે નિલેશ અને રોહિતના મૃતદેહ મળી આવ્યા હતા. તે જ સમયે, સિરસા ડાબરાઈના રાજકુમાર અને સૂરજ પણ ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા, જેમાં સૂરજને બચાવી લેવાયો હતો પરંતુ રાજકુમારનું મોત નિપજ્યું હતું. બદાયૂંના જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ રાય અને એસએસપી અંકિતા શર્મા ઘટનાસ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.