આફ્રિકામાં સોનાની ખાણ ધસી પડતાં 30 લોકોનાં મોત, અનેક હજુ દટાયેલા

મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં આવેલ અબ્બા ક્ષેત્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મંગળવારે અચાનક સોનાની ખાણ ધસી પડવાને કારણે ઓછામાં ઓછા 30 કામદારોના…

મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં આવેલ અબ્બા ક્ષેત્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મંગળવારે અચાનક સોનાની ખાણ ધસી પડવાને કારણે ઓછામાં ઓછા 30 કામદારોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના કારણે સ્થાનિક સ્તરે વ્યાપક ગભરાટ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

અહેવાલો અનુસાર, નાના-મામ્બેરે પ્રાંતના અબ્બા વિસ્તારમાં ચાલી રહેલી આ નાની અને પરંપરાગત સોનાની ખાણમાં અચાનક કડાકો બોલ્યો હતો અને તે ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બચી ગયેલા ફ્લોરિયન ગાગુએન્ડે નામના શ્રમિકે જણાવ્યું કે ખાણ તૂટી પડતાં મોટી સંખ્યામાં કામદારો અંદર દબાઈ ગયા હતા. ઘટનાસ્થળે સ્થાનિક રહેવાસીઓ અને બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવાથી કાટમાળ નીચે દબાયેલા લોકોને જીવતા બહાર લાવવાની શક્યતાઓ ખૂબ જ નહિવત બની ગઈ છે.

અબ્બા ઉપ-પ્રાંતના ડેપ્યુટી મેયર સુલેમાન બીએ માહિતી આપી હતી કે કલાકોની ભારે જહેમત બાદ સ્થાનિક લોકો અને બચાવકર્મીઓએ ખાણના કાટમાળમાંથી 30 જેટલા શબ બહાર કાઢ્યા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક ખાણિયાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ડેપ્યુટી મેયરે આ ઘટનાને અત્યંત હૃદયદ્રાવક ગણાવીને પીડિતોને મદદ કરવા માટે સંગઠનો અને જનતાને અપીલ કરી છે. ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો ફૂટેજમાં હૃદય કંપાવનારી તસવીરો જોવા મળી છે, જેમાં કાદવથી ખરડાયેલા મૃતદેહોને બહાર કઢાઈ રહ્યા છે અને ઘાયલ શ્રમિકો મદદ માટે આર્તનાદ કરી રહ્યા છે.