ફાર્મા કંપનીના પૈસે વિદેશ પ્રવાસ કરનાર 3 સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સસ્પેન્ડ

ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મેડિકલ વ્યવસાયમાં આચારસંહિતાના નિયમોના ભંગના મામલે રાજ્યના ત્રણ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. કાઉન્સિલે ત્રણેય ડોક્ટરોનું મેડિકલ રજિસ્ટ્રેશન…

ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મેડિકલ વ્યવસાયમાં આચારસંહિતાના નિયમોના ભંગના મામલે રાજ્યના ત્રણ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. કાઉન્સિલે ત્રણેય ડોક્ટરોનું મેડિકલ રજિસ્ટ્રેશન 13 મહિના માટે સ્થગિત (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય લીધો છે.

સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોમાં સુરતના ડો. જગદીશકુમાર સખિયા, ડો. અમી શાહ અને અમદાવાદના ડો. ગીતા પટેલનો સમાવેશ થાય છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે મેડિકલ એથિક્સના નિયમોના ઉલ્લંઘનના આધારે આ કાર્યવાહી અમલમાં મૂકી છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2014 અને 2024 દરમિયાન પેરિસમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેડિકલ પરિષદમાં ભાગ લેવા માટે ત્રણેય ડોક્ટરો વિદેશ ગયા હતા. આ પ્રવાસ દરમિયાન મુસાફરી, રહેવાની વ્યવસ્થા અને ભોજન સહિતનો સમગ્ર ખર્ચ Healthcare India Private Limited નામની બાયોટેક કંપનીએ ઉઠાવ્યો હતો.

ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમો અનુસાર, કોઈપણ ફાર્માસ્યુટિકલ અથવા બાયોટેક કંપની પાસેથી વિદેશ પ્રવાસ, ભેટ, આર્થિક સહાય અથવા અન્ય લાભ સ્વીકારવો વ્યાવસાયિક આચારસંહિતાનો ભંગ ગણાય છે. આ જ કારણસર કાઉન્સિલે ત્રણેય ડોક્ટરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે.

કાઉન્સિલના નિર્ણય અનુસાર આગામી 13 મહિના સુધી ત્રણેય ડોક્ટરો મેડિકલ પ્રેક્ટિસ કરી શકશે નહીં. આ સમયગાળા દરમિયાન તેઓ ડોક્ટર તરીકે કોઈપણ પ્રકારની વ્યાવસાયિક સેવા આપી શકશે નહીં તેમજ મેડિકલ રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા અધિકારોનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કે, સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થયા બાદ નિયમો મુજબ ફરીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓ મેડિકલ પ્રેક્ટિસ ફરી શરૂૂ કરી શકશે.