Site icon Gujarat Mirror

ICC એવોર્ડ માટે સંજુ સેમસન બુમરાહ સહિત 3 ખેલાડી નોમિનેટ

 

ટીમ ઈન્ડિયાને 2026નો ટી20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સંજુ સેમસનને આઈસીસીના એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. સંજુ સેમસનને આઈસીસીએ માર્ચ મહિનાના પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કર્યો છે. જેમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત સાઉથ આફ્રિકાના કોનર એસ્ટરહુઈજનનું નામ પણ સામેલ છે. વિજેતાની જાહેરાત થોડા દિવસો પછી કરવામાં આવશે.

આઈસીસીએ માર્ચ મહિનાના પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરેલા ત્રણ ખેલાડીઓમાં સંજુ સેમસનનું નામ પ્રથમ છે. ટી20 વર્લ્ડકપમાં શરૂૂઆતની મેચમાં તે પ્લેઈંગ ઈલેવનમાં નહોતો. પરંતુ મોકો મળતાં જ તેણે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામેના કરો યા મરોના મુકાબલામાં 97 રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના આધારે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. જે બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમી ફાઈનલમાં પણ સંજુ સેમસને જલવો બતાવ્યો હતો. તેણે 89 રન બનાવ્યા હતા.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ આઈસીસીએ નોમિનેટ કર્યો છે. બુમરાહે ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનો રોલ હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં તેણે બે વિકેટ ઝડપી હતી. સેમી ફાઈનલમાં પણ તેણે ચુસ્ત બોલિંગ કરી હતી અને એક વિકેટ ઝડપી હતી. ટુર્નામેન્ટમાં તે વધારે વિકેટ નહોતો લઈ શક્યો પણ તેની ચુસ્ત બોલિંગ શાનદાર રહી હતી. વર્લ્ડ કપ ફાઈનલમાં તેણે 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ બે ભારતીયો ઉપરાંત આઈસીસીએ સાઉથ આફ્રિકાના કોનર એસ્ટરહુઈજને પણ નોમિનેટ કર્યો છે. તેણે પણ માર્ચમાં શાનદાર દેખાવ કર્યો હતો.

Exit mobile version