Site icon Gujarat Mirror

મિત્રને ઉછીના આપેલા રૂા.70 હજારની ઉઘરાણી કરી 3 શખ્સોનો છરી વડે હુમલો

જસદણમાં બનેલી ઘટના: ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો

જસદણમાં બાયપાસ રોડ ઉપર આવેલ ધરતી હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ઉછીના આપેલા રૂૂ.70,000 ની ઉઘરાણી કરી ત્રણ મિત્રોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં બાયપાસ રોડ ઉપર આવેલ ધરતી હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વિરાજ કિશોરભાઈ ચાવડા નામનો 32 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે રાહુલ કોળી, નરેશ અને સુનીલ નામના શખ્સે હુમલો કરી છાતી અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલો વિરાજ ચાવડા બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરણિત છે વિરાજ ચાવડા ડ્રાઇવિંગ કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે વિરાજ ચાવડા અને હુમલાખોર મિત્રો છે. હુમલાખોર મિત્ર રાહુલ કોળી પાસેથી વિરાજ ચાવડાએ રૂૂ.70,000 હાથ ઉછીના લીધા હતા જે રૂૂપિયાની રાહુલ કોળીએ ઉઘરાણી કરતા વિરાજ ચાવડાએ થોડા દિવસ બાદ આપી દેવાનું કહેતા મિત્ર રાહુલ કોળી સહિતના ત્રણેય શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જસદણ પોલીસે જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવકની ફરિયાદ નોંધવા અને હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version