ગોંડલમાં વેપારી પાસેથી રૂા.21 લાખની ખંડણી પડાવનાર ભાગીદાર સહિત 3 શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા

રાજકોટ ગ્રામ્યના ગોંડલ બી ડીવીઝન પોલીસે એક વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹21 લાખની માતબર રકમની ખંડણી પડાવવાના ગંભીર ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો…

રાજકોટ ગ્રામ્યના ગોંડલ બી ડીવીઝન પોલીસે એક વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹21 લાખની માતબર રકમની ખંડણી પડાવવાના ગંભીર ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલના ચોકસી નગરમાં રહેતા અને યાર્ડમાં જી.એસ.ટી. બિલ સાથે પેઢી ધરાવતા વેપારી મેહુલભાઇ ભરતભાઇ રૈયાણીની પેઢીમાં ભૌતીક બોધરા નામનો યુવક ભાગીદાર હતો. ધંધાકીય મનદુ:ખના કારણે ભૌતીકે પેઢીની ગુપ્ત માહિતીઓ અન્ય આરોપી હિતેશ સાકરીયાને આપી દીધી હતી. હિતેશે આ માહિતીના આધારે સોશિયલ મીડિયા પર બદનામ કરતી પોસ્ટ મૂકી, વેપારીને GST અને પોલીસ વિભાગમાં અરજી કરી ગુનો દાખલ કરાવવાની ધમકીઓ આપવાનું શરૂૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી વેપારી મેહુલભાઇને ગોંડલ કોર્ટ ખાતે બોલાવ્યા હતા.

ત્યાં વેપારીને ડરાવવા માટે વકીલ જેવો કાળો કોટ પહેરેલા એક અજાણ્યા ઇસમને સાથે રાખી, મોતનો ભય બતાવી બળજબરીથી ₹21,00,000/- (એકવીસ લાખ પુરા) ની ખંડણી પડાવી લીધી હતી. વેપારીની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં મોટા ભાદરાના હીતેશભાઇ રાજેશભાઇ સાકરીયા (ઉ.વ. 32), ગોંડલના મોહનપાર્કના પીયુષભાઇ લાલજીભાઇ રાદડીયા (ઉ.વ. 39) અને પેઢીના ભાગીદાર એવા ચરખડીના ભૌતીકભાઇ મહેશભાઇ બોધરા (ઉ.વ. 26) ની ધરપકડ કરી છે.ગોંડલ બી ડીવીઝન પોલીસના ઇન્સ્પેક્ટર જી.એસ. ગઢવીએ જનતાને અપીલ કરી છે કે, જો અન્ય કોઈ પણ નાગરિક આ ટોળકી કે અન્ય કોઈ શખ્સો દ્વારા ખંડણી અથવા બળજબરીથી પૈસા પડાવવાના ગુનાનો ભોગ બન્યા હોય, તો તેઓ ડર્યા વગર ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશન (ફોન નં: 63596 25709) અથવા રાજકોટ ગ્રામ્ય કંટ્રોલ રૂૂમનો સંપર્ક કરે.