શાપર- વેરાવળ અને મેટોડા GIDC સુધી ખાસ બસ સેવા શરૂ કરવા આયોજન
રાજકોટને ગુજરાતની એક માત્ર AIIMS, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સ્માર્ટ સિટી અટલ સરોવર મળ્યું છે, ત્યારે અહીં એસટી વિભાગ દ્વારા નવા બસ સ્ટેશનો બનાવવામાં માટેનું આયોજન કરાયું છે. મુસાફરોની સુવિધાને ધ્યાને રાખીને આ ત્રણેય જગ્યાની નજીક નવા બસ સ્ટેશન બનાવવા માટેની પ્રપોઝલ પણ મુકાઈ ગયાનું પૂર્વ એસટી વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યું હતુ.
હાલ રાજકોટ એસટી વિભાગ દ્વારા 525 જેટલી બસોનું સંચાલન થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અન્ય ધાર્મિક સ્થળો માટેની સીધી બસ શરૂૂ કરવાનું આયોજન હોવાનું પૂર્વ એસટી વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યું હતુ. હાલ રાજકોટ એસટીના વિભાગીય નિયામક તરીકે રાજપીપળાના મનીષ રાજે ચાર્જ સંભાળી લીધો છે. તો હિમાંશુ જોશીને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એસટી સેવાને ડેવલપ કરવા માટે રાજપીપળા મૂકવામાં આવ્યા છે.
રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ એન્જિનિયર અક્ષય મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે જે બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે, તેનું ટેન્ડર હવે બહાર પડશે, જે બાદ ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે AIIMS હોસ્પિટલ પાસે પણ નવું બસ સ્ટેશન બનશે તે માટે જગ્યા ફાઈનલાઈઝ થઈ ગઈ છે. જોકે પ્રક્રિયા એપ્રિલ માસ બાદ પૂર્ણ થતા ખાતમુહૂર્ત કરવામાં આવશે. બંને બસ સ્ટેશન 5000 ચોરસ મીટરમાં નિર્માણ પામશે. જે આધુનિક બસ સ્ટેશન રૂૂ.5 કરોડના ખર્ચે બનશે. આ સાથે જ અટલ સરોવર પાસે નવું બસ સ્ટેશન બનાવવા માટે જગ્યાની માંગણી મુકવામાં આવી છે.
જગ્યા મળતાની સાથે જ પ્રક્રિયા પૂર્ણ કરી તેનું કામ પણ શરૂૂ કરી દેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર આસપાસની જગ્યાને સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવી છે, ત્યારે ત્યાં એસટી વિભાગ દ્વારા નવું બસ સ્ટેશન બનાવવા માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. જ્યાં પણ આગામી સમયમાં નવું બસ સ્ટેશન બનતા લોકોને એસટી બસમાં અવરજવર માટે સરળતા રહેશે. આ સાથે જ જે રીતે લીંબડી અને મોરબી ખાતે વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ અને હવે ટાયર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેથી એસટી બસની ટેકનોલોજી ડેવલપ થશે.

