ગુજરાત
લિવર ટ્રાન્સપ્લાન્ટના 3 મહિનામાં 28 ટકા દર્દીનાં મોત
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી કિડની હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષ દરમિયાન 2634 કિડની, 469 લિવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ પૈકી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 134, લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 173 હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યાની વિગતો સામે આવી છે. ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ મૃત્યુ આંક કેવી રીતે હજુ ઘટાડવો તેના માટે સમિતિની પણ રચના કરવાની વિચારણા ચાલી રહી છે.વર્ષ 2015થી વર્ષ 2023 દરમિયાન જે વ્યક્તિએ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમના એકંદર મૃત્યુની ટકાવારી કિડની ટ્રાન્સપ્લાન્ટની મૃત્યુની ટકાવારી કરતાં ઘણી વધારે હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા વ્યક્તિઓમાં અનુક્રમે 28 ટકા અને બે ટકા લોકો ટ્રાન્સપ્લાન્ટ બાદ 3 મહિનામાં મૃત્યુ પામ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર, ટ્રાન્સપ્લાન્ટ પછી ફોલો-અપ માટે ન આવેલા દર્દીઓની સ્થિતિ જાણવા માટે આઈકેડીઆરસીમાં કોઈ જ સિસ્ટમ ઉપલબ્ધ નથી. ટૂંકા ગાળામાં જ મૃત્યનું મુખ્ય કારણ ટ્રાન્સપ્લાન્ટ બાદ અંગોના અસ્વીકારને કારણે થયું હતું. ટૂંકા ગાળામાં અંગ ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીના મૃત્યુનું કારણ જાણવા એક સમિતિની રચના કરવા પણ વિચારણા ચાલી રહી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીઓએ ડોક્ટરો દ્વારા આપવામાં આવતી પરેજી પાળવી ખૂબ જ જરૂૂરી છે. ઘણાં દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ બાદ ડાયેટનું પાલન કરતા નથી અને તેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળવાનું જોખમ વધી જાય છે.