Site icon Gujarat Mirror

ગોંડલના હાઈવે પર ભાદરની પાઈપલાઈન તૂટતા 25 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા

ગોંડલ તાલુકાના ચોરડી ગામ નજીક નેશનલ હાઈવે પર ચાલી રહેલી રોડ નિર્માણની કામગીરી આજે ગ્રામજનો માટે મોટી મુસીબત બનીને આવી હતી. હાઈવે બ્રિજ પાસે ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે ભાદર ડેમની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું. પાઈપલાઈન ફાટતાની સાથે જ પાણીનો પ્રચંડ ફોર્સ હોવાથી આશરે 25 ફૂટ જેટલો ઊંચો ફુવારો ઉછળ્યો હતો. પાઈપલાઈન તૂટવાને કારણે લાખો લિટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું.નેશનલ હાઈવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ સીધો ચોરડી ગામમાં પ્રવેશી ગયો હતો.

ગામના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાથી જાણે ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનેક રહેણાંક વિસ્તારોમાં કાદવ-કીચડવાળું પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે રહીશોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

ભર ઉનાળે જ્યારે તાપમાનનો પારો ઊંચો છે અને લોકો પાણીના ટીપે-ટીપા માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે ધોળે દહાડે લાખો લિટર પાણીનો બગાડ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો કે, “હાઈવેની કામગીરી કરતા પહેલા પાઈપલાઈનનું ધ્યાન કેમ રાખવામાં ન આવ્યું?” તંત્રની આ પ્રકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

ઘટનાની જાણ થતા જ જેસીબી અને હિટાચી મશીનો દ્વારા પાણીના પ્રવાહને રોકવા માટે તાકીદે મથામણ શરૂૂ કરવામાં આવી હતી.જોકે, લાઈનમાં પાણીનું પ્રેશર ઘણું વધારે હોવાથી ભંગાણ સાંધવા અને પાણી રોકવામાં તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનાને કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ કલાકો સુધી અટવાવું પડ્યું હતું.

Exit mobile version