રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન મેઘરાજાએ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધીંગી ધારે અમિકૃપા વરસાવી છે. જો કે અતિ ભારે વરસાદના એલર્ટનો ખતરો ટળ્યો હતો. આમછતાં લોકોના હૈયે ટાઢક થાય તેવા આર્શિવાદ મેઘરાજાએ વરસાવ્યા છે અને થોડા દિવસોના વિરામ બાદ ફરી તમામ જળાશયો છલકાવી દે તેવી કૃપા વરસાવે તેવી કુદરતે લોકોની પ્રાર્થના છે. દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના રાજકોટ જિલ્લા ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને મોરબી પંથકના કુલ 83 જળાશયોમાંથી 21 જળાશયોમાં નવા નીર આવ્યા છે. એ પૈકી રાજકોટની ભાગોળે આવેલા લાલપરી ડેમ સ હિત 8 જળાશયો ઓવરફ્લો થઇ ચુક્યા છે. જ્યારે 6 ડેમ ઓવરફ્લો થવાની આરે છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ મોડો છે. દરમિયાન ગત શુક્રવારથી રવિવાર સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે ક્યાંક ધીંગી ધારે તો ક્યાંક ધીમી ધારે મેઘકૃપા વરસી હતી. ખેતી માટે કાચુ સોનુ જરૂૂર વરસ્યુ છે પણ વર્ષ આખુ જેમના પર આધાર રાખી શકાય તેવા પીવાના અને સિંચાઇ માટેના જળાશયોમાં જોઇએ તેટલી આવક હજુ સુધી નથી થઇ. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસુ બેસી જતુ હોય છે પરંતુ આ વખતે મોડા દર્શન થયા હતા. એ પૂર્વે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો તળિયાઝાટકના આરે હતા. છેલ્લા ચાર દિવસ વરસેલા વરસાદના કારણે જળાશયોના જીવમાં જીવ જરૂૂર આવ્યો છે.
ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલે રવિવારે બપોર પછી જોર ઘટી ગયુ હતુ. સૌરાષ્ટ્ર પરથી ગોરંભાયેલા વાદળો વિદાય લેવા લાગ્યા હતા. આજે સોમવારે સવારથી પણ આકાશ ચોખ્ખુ થતુ જોવા મળ્યુ હતુ. દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ વર્તુળ હેઠળના સાત જિલ્લામાં 21 જળાશયોમાં નવા નીર આવ્યા છે. એ પૈકી લાલપરી, મચ્છુ(2), બ્રાહ્મણી, વઢવાણના ભોગવા(1)(નાયકા), ભોગાવો(2)(ધોળીધજા), ફલકુ, વાંસલ અને ત્રિવેણી ઠાંગા જળાશયો ઓવરફ્લો થઇ ચુક્યા છે. જ્યારે વેણુ-2, ન્યારી 2, ભાદર 2, ધોડાધ્રોઇ, ભોગાવો-1(લીંબડી) અને સબુરી ઓવરફ્લોની આરે છે.
