ગુજરાત
વાવ વિધાનસભા બેઠક ઉપર 17 ઉમેદવારો, ભાજપના માવજીભાઈ પટેલનો બળવો
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. જેથી આજે છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ 17 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. આ સાથે 21 ઉમેદવારોએ ચુંટણીમાં ઝુંકાવ્યું છે.
વાવ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સ્વરૂૂપજી ઠાકોરને પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે. આજે આ બન્ને ઉમેદવાર ઉપરાંત ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું હતુ.
જેમાં ભાજપ તરફથી સ્વરુપજી ઠાકોર સિવાય પટેલ લાલજીભાઈ હમીરભાઈ, ઠાકોર પીરાજી કુંવરજી, અમીરામભાઈ શંકરલાલ આશલ, ખેમજીભાઈ દેવસીરામ વાઘેલા અને પટેલ માવજીભાઈ ચતરા ભાઈએ ફોર્મ ભર્યું હતુ. જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત સિવાય મકવાણા ભાવસંગજી વશરામજીએ ફોર્મ ભર્યું હતુ.
આ ઉપરાંત અન્ય અપક્ષ ઉમેદવારો જોઈએ તો, મનોજભાઈ પરમાર, ચમનભાઈ સોલંકી, રાઠોડ મંજુબેન, માધુ નિરુપાબેન, જામાભાઈ ચૌધરી, પટેલ માવજીભાઈ, હરીજન વિક્રમભાઈ અને કલાલ નાગજીભાઈએ છેલ્લા દિવસે ફોર્મ ભર્યા હતા.
આમ અત્યાર સુધીમાં વાવ વિધાનસભા બેઠક પર કુલ 21 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. હવે 28 ઑક્ટોબર ફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ છે, જ્યારે 30 ઑક્ટોબર સુધીમાં ફોર્મ પાછુ ખેંચી શકાશે. જે બાદ વાવ વિધાનસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે.
પક્ષપલટો કરવામાં મહારે ગણાતા થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ દર વખતની જેમ ફરી એકવાર અપક્ષમાં ફાર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના બળવાખોર નેતા માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓએ પ્રયાસ કર્યા હતા. પૂર્વ સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુ વ્યાસ અને વસંત પુરોહિતે થરાદમાં માવજીભાઈ સાથે બેઠક કરી હતી ત્યારે માવજી પટેલ ફોર્મ પાછુ ખેંચે છે કે કેમ તે જોવાનું રહ્યું.