સુધારેલા વક્ફ કાયદાના અમલીકરણ બાદ ગુજરાતભરમાં આવેલી અધધ 15,427 વક્ફ મિલકતો નવા ’ઉમ્મીદ’ પોર્ટલ પર સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. જૂના ’વક્ફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા’ (WAMSI) અને નવા UMEED પોર્ટલના રેકોર્ડ્સની સરખામણી કરવામાં આવતા મિલકતો અને ટ્રસ્ટોની નોંધણીમાં મોટા પાયે વિસંગતતાઓ બહાર આવી છે. ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ (GSWB) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જૂના WAMSI પોર્ટલ પર રાજ્યની કુલ 39,940 વક્ફ મિલકતો નોંધાયેલી છે, જેની સામે નવા UMEED પોર્ટલ પર માત્ર 24,513 મિલકતોની જ નોંધણી થઈ શકી છે. આમ, બંને પોર્ટલ વચ્ચે સીધો 15,427 મિલકતોનો મોટો તફાવત સામે આવ્યો છે. આ વિસંગતતા માત્ર મિલકતો પૂરતી સીમિત નથી, પરંતુ વક્ફ ટ્રસ્ટોની નોંધણીમાં પણ જોવા મળી છે. WAMSI પર કુલ 11,683 વક્ફ ટ્રસ્ટો નોંધાયેલા હતા, જ્યારે UMEED પોર્ટલ પર માત્ર 9,558 ટ્રસ્ટો જ નોંધાયા છે, જેના કારણે 2,125 ટ્રસ્ટોનો કોઈ હિસાબ મળ્યો નથી. વક્ફ બોર્ડનું કહેવું છે કે આમાંથી અનેક ટ્રસ્ટો માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતા હતા.
ઉલ્લેખનીય છે કે, વક્ફ (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ જૂના વક્ફ એક્ટ, 1995નું નામ બદલીને ’યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ’ (UMEED એક્ટ) કરવામાં આવ્યું હતું. આ નવો કાયદો 8 એપ્રિલ, 2025થી અમલમાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના ચોક્કસ આદેશોને આધીન હાલમાં અમલી છે. આ કાયદા અંતર્ગત વક્ફ સંચાલકોને જરૂૂરી મહેસૂલી રેકોર્ડ્સ સાથે મિલકતોની વિગતો નવા પોર્ટલ પર અપલોડ કરવા માટે એક વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા આ વર્ષે એપ્રિલ મહિનામાં પૂર્ણ થયા બાદ આ વિસંગતતાઓ સપાટી પર આવી છે.
આ મામલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના ચેરમેન ડો. મોહસીન લોખંડવાલાએ જણાવ્યું હતું કે, UMEED પોર્ટલ પર વિગતો અપલોડ કરતી વખતે વક્ફ સંચાલકો WAMSI પોર્ટલ પર નોંધાયેલી અનેક મિલકતોને સમર્થન આપતા જરૂૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નથી. નવા કાયદા મુજબ, મિલકતની નોંધણી માટે મહેસૂલી રેકોર્ડ્સ, માપણી, વિગતવાર વર્ણન અને કાયદેસરનો કબજો સાબિત કરતા દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત છે. આ આધારભૂત દસ્તાવેજોના અભાવે નિયમિતિકરણની પ્રક્રિયા દરમિયાન મિલકતોની સંખ્યામાં આટલું મોટું અંતર જોવા મળ્યું છે.
