રાષ્ટ્રીય
આધ્યાત્મિક ગુરૂ જગ્ગી વાસુદેવના આશ્રમમાં 150 પોલીસનો કાફલો ત્રાટકયો, સર્ચ ઓપરેશન
વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ જગદીશ પજગ્ગીથ વાસુદેવ વિવાદમાં આવ્યાં છે. તેમની પર છોકરીઓને બળજબરીથી સંન્યાસી બનાવાના આરોપ લાગ્યાં છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે તેમની સામે તપાસ પણ શરુ કરી છે અને મંગળવારે 150 પોલીસકર્મીઓએ તેમના આશ્રમની પણ તલાશી લીધી હતી. હાઈકોર્ટે વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ જગદીશ જગ્ગી વાસુદેવને એક તીક્ષ્ણ પ્રશ્ન પૂછ્યો છે, જેઓ સદગુરુ તરીકે જાણીતા છે.
હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સ્થાપકને પૂછ્યું છે કે, જ્યારે તમે તમારી દીકરીના લગ્ન કરી લીધા છે અને તે પારિવારિક જીવન જીવી રહી છે, તો પછી તમે બીજાની દીકરીઓને સંન્યાસી કેમ બનાવી રહ્યા છો? એક કેસની સુનાવણી કરતી વખતે, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને વી શિવગનમની ખંડપીઠે આધ્યાત્મિક ગુરુ સદગુરુને ઠપકો આપ્યો હતો.કોઈમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એવો આરોપ લગાવ્યો કે તેમની બે શિક્ષિત દીકરીઓનું સદગુરુ દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે.
અને તેમની 42 અને 39 વર્ષની વયની બંને દીકરીઓને ઈશા યોગ કેન્દ્રમાં કાયમી ધોરણે રહેવા મજબૂર કરવામાં આવી છે.હાઈકોર્ટના સવાલના જવાબ આપતાં સદગુરુના ઈશા ફાઉન્ડેશને કહ્યું કે પ્રોફેસરની બંને દીકરીઓએ કોર્ટમાં કહ્યું છે કે તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહે છે અને તેમની સામે કોઈ જબરદસ્તી કરવામાં નથી આવી. પુખ્ત વયના લોકોને તેમની પસંદગી પ્રમાણે જીવન જીવવાની સ્વતંત્રતા અને ડહાપણ હોય છે. અમે કોઈને સન્યાસ લેવા માટે દબાણ કરતા નથી, કારણ કે તે વ્યક્તિની વ્યક્તિગત પસંદગી છે. અમારા આશ્રમમાં રહેતા તમામ લોકો સન્યાસી નથી. બ્રહ્મચારી કે સાધુ બનવાનો નિર્ણય વ્યક્તિગત છે.મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ તામિલનાડુ પોલીસે કોઈમ્બતુરમાં આવેલા ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં મંગળવારે તલાશી લીધી હતી. 150 પોલીસકર્મીઓએ આશ્રમની તલાશ લીધી હતી.
આ બધાની વચ્ચે સદગુરુના એક ફોટા પર પણ વિવાદમાં આવ્યો છે. ઈશા ફાઉન્ડેશને તેની વેબસાઈટ પર સદગુરુનો બાંધેલા પગનો ફોટો વેચાણ માટે મૂક્યો છે અને તેની કિંમત 3200 રુપિયા રાખી છે. સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થયાં બાદ યૂઝર્સ તેની પર નેગેટીવ કોમેન્ટ્સ કરી હતી અને તેને અયોગ્ય ગણાવ્યો છે. જોકે ફાઉન્ડેશન તરફથી એવું કહેવાયું કે આ ફોટો ચાહકો માટે છે..