ખોદકામ કરતી વખતે મળેલા ખજાનાનું ઘેરાયું રહસ્ય
રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવરી ગામમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે જમીન ખોદતી વખતે 10 ફૂટ નીચેથી 150 કિલો વજનનો એક વિશાળ પ્રાચીન ઘડો મળી આવ્યો. જેસીબી (JCB) ના પંજા સાથે કંઈક નક્કર વસ્તુ અથડાતા જ જ્યારે માટી હટાવવામાં આવી, ત્યારે બે ફૂટ ઊંચો અને દોઢ ફૂટ પહોળો રહસ્યમય ઘડો જોઈને ગ્રામજનોના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. જોતજોતામાં વાત આખા પંથકમાં વાયુવેગે ફેલાઈ ગઈ કે જમીનમાંથી સોના-ચાંદીના સિક્કા ભરેલો ખજાનો નીકળ્યો છે. સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ભીડ ઘડા પર તૂટી પડી હતી અને કેટલીક ચમકતી ધાતુની વસ્તુઓ લૂંટીને લોકો ખેતરોમાં ભાગવા લાગ્યા હતા, જેમને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આ ઘટના માત્ર ખજાના પૂરતી સીમિત નથી, પરંતુ તેની સાથે જોડાયેલા રહસ્યોએ વહીવટીતંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. જ્યાંથી આ ઘડો મળ્યો ત્યાં ગુલાબના ફૂલો, જૂના ચંપલ અને વિચિત્ર નિશાનો મળી આવ્યા છે, જે મેલીવિદ્યા અથવા કોઈ ગુપ્ત ધાર્મિક વિધિ તરફ ઈશારો કરે છે. પોલીસ અને વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ઘડાને સીલ કરી દીધો છે અને અત્યંત ચુસ્ત સુરક્ષા હેઠળ નિવાઈ સબ-ટ્રેઝરીના સ્ટ્રોંગ રૂૂમમાં ખસેડ્યો છે. અધિક જિલ્લા કલેક્ટર રામ રતન સોકરિયાએ જણાવ્યું છે કે આ ઘડામાં રહેલી વસ્તુઓ શું છે અને તે કેટલો જૂનો છે, તેની સત્તાવાર પુષ્ટિ પુરાતત્વ વિભાગની તપાસ બાદ જ થશે.
હાલમાં દેવરી ગામમાં ચારેબાજુ માત્ર આ ’જાદુઈ ઘડા’ની જ ચર્ચા છે. ભારતીય ખજાના અધિનિયમ હેઠળ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું આ ખરેખર મહારાજાઓના જમાનાનો અઢળક સોના-મોહોરો ધરાવતો ખજાનો છે કે પછી કોઈ ઐતિહાસિક વિરાસત? આ પ્રશ્નનો જવાબ હવે પુરાતત્વ વિભાગના રિપોર્ટ પર ટકેલો છે. ત્યાં સુધી આ 150 કિલોનો ઘડો સરકારી તિજોરીમાં કેદ રહીને લોકોની ઉત્સુકતા વધારતો રહેશે.

