મણિપુરમાં ઝેરી દારૂ પીવાથી 15ના મોત, 300 હોસ્પિટલમાં

મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂૂ પીવાના કારણે સર્જાયેલી દુર્ઘટનાએ અનેક પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. આ ઘટનામાં મૃત્યુઆંક 8થી વધીને 15 સુધી પહોંચી ગયો છે,…

મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂૂ પીવાના કારણે સર્જાયેલી દુર્ઘટનાએ અનેક પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. આ ઘટનામાં મૃત્યુઆંક 8થી વધીને 15 સુધી પહોંચી ગયો છે, જ્યારે અસરગ્રસ્ત થયેલા 181 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યના મુખ્યમંત્રી ખેમચંદ યુમનામે તાત્કાલિક લેમ્ફેલપટ સ્થિત શિજા હોસ્પિટલ અને સજીવા સ્થિત બબીના હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મુખ્યમંત્રી ખેમચંદ યુમનામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એક્સ’ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, તબીબોની સઘન દેખરેખ હેઠળ તમામ દર્દીઓની તપાસ અને સારવાર ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાવશે અને આ દુર્ઘટના માટે જવાબદાર દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે.

શિજા હોસ્પિટલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડો. ચેતન ખુંડોંગબામે જણાવ્યું હતું કે, દર્દીઓ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તપાસમાં સામે આવ્યું કે આ ’મેથેનોલ પોઈઝનિંગ’નો મામલો છે, જે મુખ્યત્વે ચકપિકારોંગ વિસ્તાર સાથે જોડાયેલો છે. તેમના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 140 દર્દીઓ આવ્યા છે, જેમાંથી 1 દર્દીને મૃત અવસ્થામાં જ લાવવામાં આવ્યા હોવાથી તેમનું મોત થયું છે. હાલમાં 3 દર્દીઓની હાલત અત્યંત ગંભીર છે અને તેમનું હિમોડાયાલિસિસ ચાલી રહ્યું છે. ચંદેલ જિલ્લાના પોલીસ અધિક્ષકે આ મામલે નિવેદન આપતા ખુલાસો કર્યો છે કે મૃતકોએ જે શંકાસ્પદ દારૂૂ પીધો હતો તે કાકચિંગ જિલ્લાના સુગનૂ વિસ્તારમાંથી ખરીદવામાં આવ્યો હતો.